તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
આશ્ચર્યજનક નિવૃત્તિ!: ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ભારત સામેની સિરીઝમાં ઈજાગ્રસ્ત થયા બાદ લીધો મોટો નિર્ણય!
વોક્સે કહ્યું કે ઇંગ્લેન્ડ માટે રમવું એ બાળપણનું સ્વપ્ન હતું, જે પૂરું થયું. તેણે બે વર્લ્ડ કપ જીતવા અને અદ્ભુત એશિઝ શ્રેણીનો ભાગ બનવાને તેની કારકિર્દીની સૌથી ગર્વની ક્ષણો ગણાવી

નવી દિલ્હી : ઇંગ્લેન્ડના સ્ટાર બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ વોક્સએ સોમવારે (૨૯ સપ્ટેમ્બર) અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ૩૬ વર્ષીય વોક્સ તાજેતરમાં ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચ દરમિયાન ખભામાં ઈજાને કારણે ઇંગ્લેન્ડની એશિઝ ટીમમાં સામેલ થઈ શક્યો નહોતો.
લાંબા સમયથી ઈજાઓ સામે સંઘર્ષ કરી રહેલા વોક્સે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને કહ્યું, "સમય આવી ગયો છે. મેં નક્કી કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે."
વોક્સની ગૌરવપૂર્ણ કારકિર્દી
૨૦૧૧માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીના મેદાન પર ડેબ્યૂ કરનાર વોક્સની કારકિર્દી ૧૫ વર્ષ સુધી વિસ્તરી હતી. તેમણે ઇંગ્લેન્ડ માટે રમેલી મેચો અને આંકડાઓ નીચે મુજબ છે:
ટેસ્ટ: ૬૨ મેચ (૨૦૩૪ રન અને ૧૯૮ વિકેટ)
વનડે: ૧૨૨ મેચ (૧૫૨૪ રન અને ૧૭૩ વિકેટ)
ટી૨૦ આંતરરાષ્ટ્રીય: ૩૩ મેચ (૧૪૭ રન અને ૩૧ વિકેટ)
વોક્સે કહ્યું કે ઇંગ્લેન્ડ માટે રમવું એ બાળપણનું સ્વપ્ન હતું, જે પૂરું થયું. તેમણે બે વર્લ્ડ કપ જીતવા અને અદ્ભુત એશિઝ શ્રેણીનો ભાગ બનવાને તેમની કારકિર્દીની સૌથી ગર્વની ક્ષણો ગણાવી.
નિવૃત્તિ બાદ વોક્સ હવે કાઉન્ટી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને વિશ્વભરની ફ્રેન્ચાઇઝી લીગમાં તકો શોધશે. તેમણે તેમના પરિવાર, કોચ, સાથી ખેલાડીઓ અને ખાસ કરીને બાર્મી આર્મીનો તેમના અતૂટ સમર્થન અને પ્રેમ બદલ આભાર માન્યો.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
