<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ટીમ ઇન્‍ડિયાએ વેસ્‍ટ ઇન્‍ડિઝનો કર્યો વ્‍હાઇટવોશઃ કુલદીપ- જયસ્‍વાલ જીતના હીરો

૧૨૦ રનનો ટાર્ગેટ ટીમ ઇન્‍ડિયાએ ત્રણ વિકેટે કરી લીધોઃ હવે કાંગારૂઓ સામે વન-ડે સિરીઝ નવું અભિયાન

નવી દિલ્‍હીઃ અરુણ જેટલી સ્‍ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને વેસ્‍ટ ઇન્‍ડીઝ વચ્‍ચેની બીજી અને અંતિમ ટેસ્‍ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો. પાંચમા દિવસના પ્રથમ સત્રમાં ભારતે ૧૨૧ રનની સાદી લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. આ સાથે ભારતે બે મેચોની ટેસ્‍ટ શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી લીધી હતી.

આ વિજયના હીરો બન્‍યા કુલદીપ યાદવ અને યશસ્‍વી જયસ્‍વાલ. કુલદીપે મેચમાં કુલ ૮ વિકેટ લઇને વેસ્‍ટ ઇન્‍ડીઝના બેટિંગ લાઇનઅપને ધ્‍વસ્‍ત કર્યો જ્‍યારે યશસ્‍વી જયસ્‍વાલે ભારતના પ્રથમ દાવમાં શાનદાર ૧૭૫ રનની મહાઇનિંગ રમી હતી.

આ શ્રેણી વિજય ખાસ કરીને એટલે પણ યાદગાર રહ્યો કે, શુભમન ગિલે કેપ્‍ટન તરીકે પોતાની પહેલી ટેસ્‍ટ શ્રેણી જીતી. તેમના નેતળત્‍વમાં ભારતીય ટીમે આત્‍મવિશ્વાસભર્યું પ્રદર્શન કરી ટક્કર આપી. મુખ્‍ય કોચ તરીકે ગૌતમ ગંભીર માટે પણ આ જીત ખાસ રહી. ૧૪ ઓક્‍ટોબરના રોજ પોતાના ૪૩મા જન્‍મદિવસે ભારતે મેચ જીતી તેમને યાદગાર ભેટ આપી.

ભારતનો પ્રથમ દાવઃ ૫૧૮/૫ ડિકલેર - યશસ્‍વી જયસ્‍વાલ (૧૭૫), શુભમન ગિલ ( ૧૦૨), વેસ્‍ટ ઇન્‍ડીઝનો પ્રથમ દાવઃ ૨૪૮ - કુલદીપ યાદવ (૫ વિકેટ), બુમરાહ (૨), જાડેજા (૨), વેસ્‍ટ ઇન્‍ડીઝનો બીજો દાવઃ ૩૯૦ - જોન કેમ્‍પબેલ (૧૧૨), શાઈ હોપ (૧૦૩), ભારતનો લક્ષ્યાંકઃ ૧૨૧/૩ - કેએલ રાહુલ (નાબાદ ૫૮), સાઈ સુદર્શન (૩૯).

ભારતે પ્રથમ દાવમાં ૨૭૦ રનની મોટી લીડ મેળવી પછી વેસ્‍ટ ઇન્‍ડીઝને ફોલોઓન કરાયું. બીજી ઇનિંગમાં વિન્‍ડીઝે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું, કેમ્‍પબેલ અને શાઈ હોપે સદી ફટકારી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી, યશસ્‍વી જયસ્‍વાલ માત્ર ૮ રન બનાવીને આઉટ થયો. જોકે, કેએલ રાહુલ અને સાઈ સુદર્શન વચ્‍ચે ૭૯ રનની મજબૂત ભાગીદારીના કારણે ભારતે ટૂંક સમયમાં લક્ષ્યાંક હાંસલ કર્યો. આ વિજય સાથે ભારતે વેસ્‍ટ ઇન્‍ડીઝ સામે સતત ૧૦મી ટેસ્‍ટ શ્રેણી જીતી છે. વેસ્‍ટ ઇન્‍ડીઝે છેલ્લે ૨૦૦૨માં ભારત સામે શ્રેણી જીતી હતી. ત્‍યારબાદથી ભારત વિન્‍ડીઝ સામે એકપણ ટેસ્‍ટ શ્રેણી હારી નથી.

(3:33 PM IST)