<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વર્લ્‍ડકપ હજુ ઘણો દૂર, વિરાટ-રોહિત અંગે ફકત એક જ સિરીઝથી નિર્ણય ન લઇ શકાયઃ અગરકર

બોર્ડના મુખ્‍ય પસંદગીકારે કહ્યું આ બન્ને બેટસમોને કંઇ પણ સાબિત કરવાની જરૂર નથી, એવું નથી કે જો તેઓ આ સિરીઝમાં રન નહિ બનાવે તો તેમની પસંદગી નહી થાય

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે ૧૯ ઓક્‍ટોબરથી શરૂ થતી વનડે શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત છે. આ સીરીઝમાં બંને કેવી બેટિગ કરશે તે તેમના ભવિષ્‍યનો નિર્ણય લેવામાં મહત્‍વપૂર્ણ સાબિત થઈ શકે છે.

૨૦૨૭ના વર્લ્‍ડ કપને હજુ લગભગ બે વર્ષની વાર છે, છતાં આ ટુર્નામેન્‍ટ પહેલાથી જ ચર્ચાનું કેન્‍દ્ર છે. જેનું કારણ ટીમ ઈન્‍ડિયાના બે ભૂતપૂર્વ કેપ્‍ટન - વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. આ વર્લ્‍ડ કપમાં બંને ખેલાડીઓના રમવાને લઇ સતત અટકળો અને અફવાઓ ચાલી રહી છે. ખાસ કરીને ઓસ્‍ટ્રેલિયા પ્રવાસ માટે તેમની પસંદગીને ટ્રાયલ રન તરીકે જોવામાં આવી રહી છે. શું બંનેનું બેટ નહી ચાલે તો તેમની કારકિર્દી સમાપ્ત થઈ જશે? બીસીસીઆઈના મુખ્‍ય પસંદગીકાર અજિત અગરકરે આ પ્રશ્નનો જવાબ આપ્‍યો છે અને વર્લ્‍ડ કપમાં તેમના ભવિષ્‍ય અંગે પોતાનો અભિપ્રાય વ્‍યક્‍ત કર્યો છે.

એક ન્‍યૂઝ ચેનલના કાર્યક્રમ દરમિયાન અગરકરને વિરાટ કોહલી અને રોહિત શર્માના ૨૦૨૭ના વર્લ્‍ડ કપમાં રમવા પર સવાલ કરાયો. શરૂઆતમાં અગરકરે પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કર્યો, અને કહ્યું કે તેમનું ધ્‍યાન ફક્‍ત એક કે બે ખેલાડીઓના પ્રદર્શન પર નહીં, પરંતુ સમગ્ર ટીમના પ્રદર્શન પર છે. જોકે, જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે શું આગામી દરેક વન ડે શ્રેણીમાં તેમનું પ્રદર્શન તેમનું વર્લ્‍ડ કપનું ભાગ્‍ય નક્કી કરશે, ત્‍યારે અગરકરે આ વાતનો સ્‍પષ્ટ ઇનકાર કર્યો, અને કહ્યું કે બંને બેટ્‍સમેનોને કંઈપણ સાબિત કરવાની જરૂર નથી.

મુખ્‍ય પસંદગીકાર અગરકરે સ્‍પષ્ટપણે કહ્યું કે રોહિત અને વિરાટે બેટ્‍સમેન તરીકે ક્રિકેટમાં ઘણું બધું હાંસલ કર્યું છે, પરંતુ એક જ શ્રેણીમાં તેમના પ્રદર્શનના આધારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. ૨૦૨૭ નો વર્લ્‍ડ કપ હજુ ઘણો દૂર છે. બંને ઘણા સમય પછી ક્રિકેટ રમી રહ્યા છે, તેથી તમારે તેમનું મૂલ્‍યાંકન કરવું પડશે. તેઓએ લગભગ બધું જ પ્રાપ્ત કર્યું છે. એવું નથી કે જો તેઓ આ શ્રેણીમાં રન નહીં બનાવે, તો તેમની પસંદગી નહીં થાય, અથવા જો તેઓ ત્રણ સદી ફટકારે તો તેઓ ૨૦૨૭ ના વર્લ્‍ડ કપમાં રમશે.

(11:15 AM IST)