તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd October 2025
ભારે હૃદયે સમાચાર: ગર્ભાવસ્થા દરમિયાન જાણ થઈ, પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર સુસી વિલ્સન રોવેને સ્ટેજ 4 ફેફસાંનું કેન્સર
સુસી અને તેમની પાર્ટનર જેનિફર વિલ્સન (ત્રણ વખતની ઓલિમ્પિક હોકી ખેલાડી) ના દીકરા જેકનો જન્મ આ વર્ષે માર્ચમાં જ થયો છે. આ કપરી પરિસ્થિતિમાં સુસીને તેમના પરિવાર અને સમગ્ર ક્રિકેટ જગત તરફથી પૂરો ટેકો મળી રહ્યો છે.

મુંબઇઃ ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર સુસી વિલ્સન રોવે (Susie Wilson Rowe) ને સ્ટેજ 4 ફેફસાંના કેન્સરનું નિદાન થયું છે, જે એક જીવલેણ બીમારી છે. 38 વર્ષીય સુસીને આ ગંભીર બીમારી વિશે ત્યારે ખબર પડી જ્યારે તે ગર્ભવતી હતી. આ સમાચારથી તેમના ફેન્સ અને ક્રિકેટ સમુદાયમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
ઇંગ્લેન્ડ માટે 22 T20 ઇન્ટરનેશનલ અને એક વન ડે ઇન્ટરનેશનલ મેચ રમનાર સુસી વિલ્સન રોવેએ જણાવ્યું કે કેન્સરનો દુર્લભ પ્રકાર - જેને 'એક્સોન 20' કહેવામાં આવે છે - તે તેમની કરોડરજ્જુ અને લિમ્ફ નોડ્સમાં પણ ફેલાઈ ગયો છે.
મહિનાઓ સુધી પાંસળી અને સ્કેપુલામાં સતત દુખાવો રહ્યા બાદ તેમનું નિદાન થયું હતું. શરૂઆતમાં આ દુખાવાને સ્નાયુઓમાં ખેંચાણ માનવામાં આવ્યો, પરંતુ વધુ તપાસમાં ડાબા ફેફસામાં ટ્યુમર હોવાનું સામે આવ્યું. લંડન સ્પિરિટ તરફથી ધ હંડ્રેડની પ્રથમ આવૃત્તિમાં રમનાર આ ખેલાડી હાલમાં કિમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી કરાવી રહી છે.
પોતાની આ વેદનાજનક કહાણી બધાની સામે મૂકતાં સુસીએ કહ્યું કે, "હું મારી વાત શેર કરવા માંગતી હતી, જેથી અન્ય લોકોને તેમના શરીરનો અવાજ સાંભળવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને જો કંઈક ખોટું લાગે તો જવાબો શોધવા માટે પ્રેરિત કરી શકાય, કારણ કે સમયસર નિદાન થવાથી ઘણો ફરક પડી શકે છે."
કેન્ટ ક્રિકેટ ક્લબે સુસીના વખાણ કરતાં કહ્યું, "સુસીએ એક ખેલાડી, કોચ, મેન્ટર અને મિત્ર તરીકે ક્રિકેટને ઘણું બધું આપ્યું છે; પોતાની તાકાત, દયા અને અથાક પ્રયત્નોથી અસંખ્ય અન્ય લોકોને પ્રેરણા આપી છે."
ઉલ્લેખનીય છે કે, સુસી અને તેમની પાર્ટનર જેનિફર વિલ્સન (ત્રણ વખતની ઓલિમ્પિક હોકી ખેલાડી) ના દીકરા જેકનો જન્મ આ વર્ષે માર્ચમાં જ થયો છે. આ કપરી પરિસ્થિતિમાં સુસીને તેમના પરિવાર અને સમગ્ર ક્રિકેટ જગત તરફથી પૂરો ટેકો મળી રહ્યો છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
