તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd October 2025
વિરાટ કોહલીની કારકિર્દી સંકટમાં? સતત બીજી ODI માં 'ઝીરો' પર આઉટ થયા બાદ નિવૃત્તિના સંકેતો!
ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિરાટ માટે 'દુઃસ્વપ્ન': એડિલેડમાં 4 બોલમાં 0 રન બનાવી આઉટ, ચાહકોના અભિવાદનનો સ્વીકાર કરતી બોડી લેંગ્વેજથી વધી અટકળો.

એડિલેડ: ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન વિરાટ કોહલીની કારકિર્દી પર હવે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા કોહલી હવે માત્ર ODI ક્રિકેટ રમે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સતત બે મેચમાં 0 રન પર આઉટ થવાથી તેની કારકિર્દી જોખમમાં મૂકાઈ ગઈ છે.
આખરે જે ડર હતો તે સાચો પડ્યો. પર્થ બાદ એડિલેડમાં પણ વિરાટ કોહલી કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. તેની 17 વર્ષની કારકિર્દીમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે તે સતત બે ODI માં 'ઝીરો' રન પર આઉટ થયો હોય. ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટે તેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. વિરાટે રિવ્યુ લેવાનો ઇનકાર કર્યો અને તરત જ પેવેલિયન તરફ ચાલવા માંડ્યો, અને ભારતે માત્ર 17 રનમાં બીજી વિકેટ ગુમાવી.
બે મેચમાં બે વાર શૂન્ય પર આઉટ થયા બાદ જ્યારે વિરાટ કોહલી પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે તેના ચહેરા પર નિરાશા અને હતાશા સ્પષ્ટ દેખાતી હતી. સ્ટેન્ડમાં બેઠેલા ભારતીય ચાહકોએ પોતાના સુપરસ્ટાર માટે ઉભા થઈને તાળીઓ પાડીને તેનું અભિવાદન કર્યું. વિરાટે જે રીતે માથું નમાવી, મોજા પકડીને ચાહકોના અભિવાદનનો સ્વીકાર કર્યો, તે ઘણું બધું કહી ગયો. ક્રિકેટ નિષ્ણાતો માની રહ્યા છે કે વિરાટની બોડી લેંગ્વેજ સૂચવે છે કે તે પણ હવે જાણે છે કે તેની કારકિર્દીનો અંત નજીક છે.
અટકળો તેજ બની છે કે 25 ઓક્ટોબરે સિડનીમાં રમાનારી ત્રીજી વનડે વિરાટ કોહલીની કારકિર્દીની અંતિમ મેચ સાબિત થઈ શકે છે. ક્રિકેટ ચાહકો અને વિશ્લેષકો બંને આશા રાખી રહ્યા છે કે આ મહાન ખેલાડી શાનદાર પ્રદર્શન સાથે પોતાની કારકિર્દીનો અંત લાવે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
