<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

રોહિત શર્માની છેલ્લી ODI? કોચ ગૌતમ ગંભીરના મજાકિયા Videoથી સોશિયલ મીડિયામાં હલચલ

એડિલેડમાં રોહિતના ૭૩ રન પછી ગંભીરે કહ્યું: 'સબકો લગ રહા થા કી આજ ફેરવેલ મેચ થા, એક ફોટો તો લગા દો'; ચાહકોમાં નિવૃત્તિની અટકળો ફરી તેજ.

નવી દિલ્હી: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી બીજી ODI માં ભારતની હાર થઈ, પરંતુ મેચ પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ક્રિકેટ જગતમાં ગરમાવો આવ્યો છે. આ વીડિયોમાં ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અનુભવી બેટ્સમેન રોહિત શર્મા સાથે તેની સંભવિત 'વિદાય મેચ' વિશે મજાક કરતા જોવા મળે છે.
વાતચીતમાં ગૌતમ ગંભીર રોહિત શર્માને હસતાં-હસતાં કહે છે: "રોહિત, સબકો લગ રહા થા કી આજ ફેરવેલ મેચ થા, એક ફોટો તો લગા દો" (રોહિત, બધાને લાગતું હતું કે આજે તારી વિદાય મેચ છે, એક ફોટો તો પોસ્ટ કરી દે). કોચના આ મજાક પર રોહિત શર્મા પણ હસી પડ્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્મા (ઉંમર ૩૮) લાંબા સમય પછી આ શ્રેણીમાં ODI ક્રિકેટમાં પાછો ફર્યો છે. તેણે અગાઉ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જેના કારણે ODI માં તેના ભવિષ્ય અંગે સતત અટકળો ચાલી રહી છે.
પર્થમાં પ્રથમ ODI માં નિષ્ફળ રહ્યા બાદ, રોહિતે એડિલેડમાં શાનદાર વાપસી કરતાં સૌથી વધુ ૭૩ રનની મહત્વની ઇનિંગ રમી હતી. જ્યારે તે પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે સમગ્ર સ્ટેડિયમે ઊભા થઈને તેને તાળીઓથી સન્માન આપ્યું હતું. ચાહકો માની રહ્યા છે કે આ રોહિતનો ઑસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ હોઈ શકે છે, જેના કારણે આટલું મોટું સન્માન મળ્યું.
જોકે, રોહિતે તાજેતરમાં જ ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ કોચ ગંભીરની આ મજાક વચ્ચે ચાહકોમાં રોહિતના ODI કરિયરના ભવિષ્યને લઈને ચર્ચા ફરી તેજ થઈ ગઈ છે.

(1:41 PM IST)