તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
'નેટ પ્રેક્ટિસ નહીં, ટોસ પ્રેક્ટિસ કરો': સતત ૧૮મો ODI ટોસ હારતા કેપ્ટન શુભમન ગિલને અશ્વિનની આકળી સલાહ
વિશ્વ રેકોર્ડસ: રોહિત શર્મા પછી ગિલની કેપ્ટનશીપમાં પણ ટોસનું કમનસીબી યથાવત; ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ટોસ હારતા ટીકાઓનું મોજું

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે મેદાન પરનું પ્રદર્શન ભલે સુધરી રહ્યું હોય, પરંતુ ટોસ જીતવાનું કમનસીબી અકબંધ છે! ભારતીય ODI ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૨૫ ઓક્ટોબરે રમાયેલી મેચમાં સતત ૧૮મી વખત ટોસ હારીને એક અનિચ્છનીય વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
આ સિલસિલો નવોદિત કેપ્ટન શુભમન ગિલની કેપ્ટનશીપમાં પણ યથાવત રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની તેની પ્રથમ ODI શ્રેણીમાં ગિલ ત્રણેય ટોસ હારી ગયો.
ભારતીય ક્રિકેટ ટીમની આ 'ટોસ-કમનસીબી' પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને વ્યંગાત્મક ટિપ્પણી કરી છે. એક રમત પત્રકાર સાથેની ચર્ચામાં અશ્વિને કહ્યું કે "શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ત્રણેય ટોસ હારી ગયો. આ ભારતીય ODI ટીમ સતત ૧૮મી વખત ટોસ હારી ગઈ છે. ભાઈ, આટલા બધા ટોસ કોણ હારે છે? ખરેખર, તેમને નેટ પ્રેક્ટિસની જરૂર નથી, તેમને ટોસ પ્રેક્ટિસ કરવાની જરૂર છે."
ભારતીય ટીમે છેલ્લે ૨૦૨૩ ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટોસ જીત્યો હતો. ત્યારથી લગભગ બે વર્ષ વીતી ગયા, પરંતુ ભારતીય કેપ્ટનોનો ટોસ હારવાનો સિલસિલો અવિરત ચાલુ છે.
જોકે, સિડની ODIમાં ભારત ટોસ હારી ગયા બાદ પણ રોહિત શર્માના ૧૨૧ રન અને વિરાટ કોહલીના અણનમ ૭૪ રનની મદદથી ૯ વિકેટે જીત્યું હતું.
શુભમન ગિલનું કેપ્ટન તરીકેનું ટોસ જીતવાનું ટકાવારી પ્રદર્શન શૂન્ય છે:
તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહેલીવાર ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું, જ્યાં તે પાંચેય મેચમાં ટોસ હારી ગયો હતો.
હવે, કેપ્ટન તરીકેની તેની પહેલી ODI શ્રેણીમાં પણ તે ત્રણેય ટોસ હારી ગયો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
