<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ફાઇનલ મેચમાં શેફાલી વર્મા સદી ચૂકી છતાં રચ્યો ઈતિહાસ :સહેવાગ અને પૂનમ રાઉતનો રેકોર્ડ તોડ્યો

શૈફાલી વર્મા સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતી પણ અન્ય બેટ્સમેન પ્રતિકા રાવલ ઈજાગ્રસ્ત થતાં શેફાલીને ટીમમાં સ્થાન અપાયું

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમની આધારભૂત બેટ્સમેન શેફાલી વર્માએ ICC મહિલા વન-ડે વિશ્વકપની ફાઈનલ મેચમાં ઑપનિંગમાં આવીને શાનદાર અડધી સદી ફટકારી હતી. શેફાલી વર્મા સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ જ નહતી. જો કે અન્ય બેટ્સમેન પ્રતિકા રાવલ ઈજાગ્રસ્ત થતાં શેફાલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

આજે શેફાલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 49 બૉલમાં 50 રન ફટકાર્યા હતા. આ સાથે જ શેફાલીએ 3 વર્ષ બાદ વન ડે ક્રિકેટમાં અડધી સદી ફટકારી છે. આટલું જ નહીં, શેફાલીએ ફાઈનલ મેચમાં સ્મૃતિ મંધાના સાથે પહેલી વિકેટ માટે 104 રનની પાર્ટનરશિપ કરી હતી.

શેફાલીએ 78 બૉલમાં 87 રન બનાવ્યા હતા. જેમાં સાત ફૉર અને બે સિક્સ સામેલ છે.શેફાલી ભલે પોતાની પ્રથમ વન-ડે સદીથી ચૂકી ગઈ હોય, પરંતુ તેણે પોતાની ઈનિંગ્સમાં એક ઈતિહાસ રચ્યો છે. જેમાં શેફાલીએ વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી લાંબી ઈનિંગ્સ રમનારી ભારતીય ખેલાડી (મહિલા-પુરુષ બન્ને) બની ગઈ છે.

આ સાથે જ 21 વર્ષીય શેફાલી વર્માએ પૂનમ રાઉત અને વિરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. શેફાલીએ માત્ર 21 વર્ષ અને 278 દિવસની વયે જ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. આટલું જ નહીં, તે વિશ્વકપની ફાઈનલમાં અડધી સદી ફટકારનારી ત્રીજી ભારતીય ઑપનર બની ગઈ છે.

સૌથી પહેલા આ સિદ્ધિ મેન્સ વર્લ્ડકપ 2003માં વિરેન્દ્ર સહેવાગે હાંસલ કરી હતી. જેણે જૉહનિસબર્ગમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 82 રન ફટકાર્યા હતા. જે બાદ વુમન્સ વર્લ્ડકપ 2017માં પૂર્વ બેટ્સમેન પૂનમ રાઉતે પણ અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફાઈનલમાં પૂનમે 86 રન ફટકાર્યા હતા. હવે આ યાદીમાં શેફાલી વર્માનું નામ ટોચ પર આવી ગયું છે. આ યાદીમાં ત્રીજા ક્રમે હરમનપ્રિત કૌર છે, જેણે પણ 2017ના વર્લ્ડકપ ફાઈનલમાં 51 રન બનાવ્યા હતા.

(10:28 PM IST)