તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
રાજકોટમાં છવાશે ક્રિકેટનો રોમાંચઃ 13 નવેમ્બરથી ભારત-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે વનડે શ્રેણી
ખેલાડીઓના આતિથ્ય સત્કાર માટે હોટલ સયાજીમાં વિશેષ તૈયારી:હોટલને રોયલ રજવાડી થીમ પર શણગાર: ખેલાડીઓને ગુજરાતી સ્વાદનો અનુભવ કરાવવા માટે ગાંઠિયા, જલેબી, થેપલા જેવી પરંપરાગત વાનગીઓ સહિત સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પણ પીરસવામાં આવશે

રાજકોટમાં આ મહિને ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. આગામી 13 નવેમ્બરથી ભારત-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાવા જઇ રહી છે. બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થઇ રહ્યું છે. ખેલાડીઓના આગમનને લઇને હોટલમાં આતિથ્ય સત્કાર માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ખેલાડીઓના આતિથ્ય સત્કાર માટે રાજકોટની જાણીતી હોટલ સયાજીમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. હોટલને રોયલ રજવાડી થીમ પર શણગારવામાં આવી છે, જે ગુજરાતની શાહી સંસ્કૃતિનું પ્રતિક છે. ખેલાડીઓને ગુજરાતી સ્વાદનો અનુભવ કરાવવા માટે ગાંઠિયા, જલેબી, થેપલા જેવી પરંપરાગત વાનગીઓ સહિત સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પણ પીરસવામાં આવશે. રસપ્રદ બાબત એ છે કે આ ત્રણેય મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જે દર્શકોને મોટી સંખ્યામાં આકર્ષશે તેવી અપેક્ષા છે.
હોટલ સયાજીમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચ માટે ખાસ રૂમ ફાળવવામાં આવ્યા છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે, જેમાં ગુજરાત અને ભારતના ઐતિહાસિક મહેલોની સુંદર તસવીરો જોવા મળશે. ખેલાડીઓની સુવિધા માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની તમામ આધુનિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઘણા ભારતીય ખેલાડીઓ અગાઉ પણ આ હોટેલમાં રોકાણ કરી ચૂક્યા છે, જેથી હોટેલ સ્ટાફ તેમની પસંદગીની વાનગીઓ પીરસવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
ભારત-A ટીમ સાઉથ આફ્રિકા-A સામેની વનડે શ્રેણીમાં આ જ જુસ્સા સાથે રમવા માટે તૈયાર છે. આ શ્રેણીમાં ભારત-A ટીમનું સુકાન યુવા પ્રતિભાશાળી બેટ્સમેન તિલક વર્મા સંભાળશે, જ્યારે ઋતુરાજ ગાયકવાડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અભિષેક શર્મા, ઈશાન કિશન અને અર્શદીપ સિંહ જેવા ફોર્મમાં રહેલા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે, જેઓ શાનદાર પ્રદર્શન કરવા ઉત્સુક છે.
રાજકોટની ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે કે ભારતના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ અને બેટિંગ-ફ્રેન્ડલી પીચને કારણે ત્રણેય મેચ હાઈ-સ્કોરિંગ બનશે અને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતનાર અભિષેક શર્મા પર ખાસ નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વનડે મેચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તાજેતરમાં જાન્યુઆરી 2025માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ રાજકોટની મહેમાન બની હતી અને આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરીને 3-0થી વનડે શ્રેણી જીતી હતી.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
