તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
ઇતિહાસ રચાયો! ઑસ્ટ્રેલિયામાં પહેલીવાર ઍશિઝની ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં સમાપ્ત!
પર્થમાં કાંગારૂઓનો તરખાટ: ટ્રૅવિસ હેડની ૬૯ બૉલમાં સદી, મિચલ સ્ટાર્કના ૧૦ શિકારથી ઇંગ્લૅન્ડ ધ્વસ્ત, ઑસ્ટ્રેલિયા ૧-૦થી આગળ

પર્થ: ઑસ્ટ્રેલિયા - ક્રિકેટ જગતના સૌથી મોટા યુદ્ધ 'ઍશિઝ'માં ઑસ્ટ્રેલિયાની ધરતી પર એક મોટો ઇતિહાસ રચાયો છે. પર્થમાં રમાયેલી પાંચ મેચોની ઍશિઝ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ માત્ર બે દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ છે. યજમાન ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને ૮ વિકેટે હરાવીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આ વિજયમાં બેટિંગમાં ટ્રૅવિસ હેડની આક્રમક સદી અને બોલિંગમાં મિચલ સ્ટાર્કના ૧૦ વિકેટના જાદુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઑસ્ટ્રેલિયામાં ઍશિઝના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ટેસ્ટ મેચ આટલા ઓછા સમયમાં સમેટાઈ છે, જેના કારણે ઇંગ્લૅન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને તેની ટીમના ખેલાડીઓ ભારે પરેશાન જોવા મળ્યા હતા.
૨૦૫ રનના સાધારણ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને ટ્રૅવિસ હેડના બેટે ઝંઝાવાતી શરૂઆત આપી હતી. હેડે માત્ર ૬૯ બૉલમાં ૧૬ ફોર અને ૪ સિક્સરની મદદથી શાનદાર સદી ફટકારીને ઉજવણી કરી હતી, અને અંતે ૮૩ બૉલમાં ૧૨૩ રન ઝૂડ્યા હતા. તેણે માર્નસ લબુશેન (અણનમ ૫૧) સાથે મળીને ૧૧૭ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને જીત નિશ્ચિત કરી હતી. જોકે, આ બે દિવસની મેચમાં ઇંગ્લૅન્ડ માટે ફાસ્ટ બોલર બેન સ્ટોક્સે (૨૩ રન આપીને ૫ વિકેટ) ઑસ્ટ્રેલિયામાં કેપ્ટન તરીકેનું પોતાનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું, પરંતુ તે પણ હાર ટાળી શક્યો નહોતો.
આ મેચમાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સનો તરખાટ જોવા મળ્યો હતો. મેન ઑફ ધ મેચ બનેલા મિચલ સ્ટાર્કે આખી મેચમાં ૧૦ વિકેટ ઝડપીને ઇંગ્લૅન્ડની બેટિંગ લાઇન-અપને ધ્વસ્ત કરી દીધી હતી. બીજા દાવમાં પણ સ્કૉટ બૉલૅન્ડે ૪ વિકેટ લઈને સાથ આપ્યો હતો. આ મેચ કુલ ૮૪૭ બૉલમાં સમાપ્ત થઈ, જે ૨૧મી સદીમાં રમાયેલી ઍશિઝની સૌથી શૉર્ટેસ્ટ ટેસ્ટ-મેચ બની છે. જોકે, ૧૮૮૮માં મૅન્ચેસ્ટરમાં માત્ર ૭૮૮ બૉલની મેચ રમાઈ હતી. ઍશિઝના ઇતિહાસમાં છઠ્ઠી વખત અને ઓવરઓલ ૨૬મી વખત ટેસ્ટ મેચ બે દિવસમાં સમાપ્ત થઈ છે, પરંતુ ઑસ્ટ્રેલિયાની ધરતી પર આવું પહેલીવાર બન્યું છે.
આ ભવ્ય વિજય સાથે ઑસ્ટ્રેલિયાએ ઘરેલુ મેદાન પર ઇંગ્લૅન્ડ સામે પોતાની ૧૦૦મી ટેસ્ટ-મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. એક જ દેશમાં એક જ હરીફ સામે આટલી મેચ જીતનાર ઑસ્ટ્રેલિયા વિશ્વની પહેલી ટીમ બની છે. ઇન્ચાર્જ કેપ્ટન સ્ટીવ સ્મિથે વિનિંગ રન ફટકાર્યો હતો અને ઍશિઝમાં કેપ્ટન તરીકે અજેય રહેવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. આ જીત માત્ર સિરીઝમાં લીડ નથી આપી, પરંતુ ઇંગ્લૅન્ડના નબળા માનસિક મનોબળને પણ દર્શાવે છે, જે આગામી મેચોમાં તેમના માટે મોટો પડકાર બની રહેશે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
