<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ભારતીય મહિલા કબડ્ડી ટીમે સતત બીજીવાર જીત્યો વર્લ્ડ કપ: ચાઇનીઝ તાઇપેઇને હરાવી જીત્યો ખિતાબ

ઢાકામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ચાઇનીઝ તાઇપેઈને 35-28ના સ્કોરથી હરાવીને બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો: ભારતે તમામ ગ્રુપ મેચો જીતીને સેમિફાઇનલમાં ઈરાનને પણ હરાવ્યું હતું.

ભારતીય મહિલા કબડ્ડી ટીમએ સોમવારે ઇતિહાસ રચતા કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો. ઢાકામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ચાઇનીઝ તાઇપેઈને  35-28 ના સ્કોરથી હરાવીને સતત બીજી વખત વર્લ્ડ કપનો ટાઇટલ પોતાના નામે કર્યું. ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મ બતાવ્યું હતું. ટીમે તેના બધા ગ્રુપ સ્ટેજ મેચ  જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યાં તેમણે ઈરાનને 33-21 થી હરાવ્યું હતું. બીજી તરફ, ચાઇનીઝ તાઇપેઈ પણ તેના ગ્રુપમાં અપરાજિત રહ્યું અને સેમિફાઇનલમાં યજમાન બાંગ્લાદેશને 25-18 થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

ભારતીય ટીમની આ ઐતિહાસિક જીત પર કબડ્ડી જગતના દિગ્ગજોએ પ્રશંસા વ્યક્ત કરી છે. હરિયાણા સ્ટીલર્સ ના મુખ્ય કોચ મનપ્રીત સિંહ એ ભારતીય ટીમની પ્રશંસા કરતા કહ્યું, "મહિલા ટીમે એવું પ્રદર્શન કર્યું છે જેના પર સમગ્ર દેશ ગર્વ કરી શકે છે. ટીમનો આત્મવિશ્વાસ અને સામૂહિક રમત ઉત્તમ હતી. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી તરીકે, હું જાણું છું કે આ સ્તર સુધી પહોંચવું કેટલું મુશ્કેલ છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન."

(12:40 AM IST)