<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કાલે ધોનીના શહેર રાંચીમાં પ્રથમ વન-ડેઃ ‘રોકો'ના આગમનથી ટીમ મજબૂત બનશેઃ બપોરે ૧:૩૦ વાગ્‍યાથી જંગ

ટેસ્‍ટ સિરીઝમાં વ્‍હાઈટવોશનો બદલો લેવા ટીમ ઈન્‍ડિયા તત્‍પર : જાડેજા અને પંતની વાપસી થશે, યુવા ખેલાડીઓએ પરફોમન્‍સ બતાવવું પડશે

નવી દિલ્‍હીઃ ટેસ્‍ટ સિરીઝમાં ટીમ ઈન્‍ડિયાને ૨-૦થી વ્‍હાઈટવોશ કર્યો છે. ત્‍યારે હવે ટેસ્‍ટ ક્રિકેટના રોમાંચક બાદ વન-ડે ક્રિકેટનો જંગ જામશે. બંને ટીમો વચ્‍ચે ૩૦ નવેમ્‍બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. રોહિત અને વિરાટના આગમનથી ટીમ મજબૂત બનશે.

ભારત-દક્ષિણ આફ્રિકા વનડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પોતપોતાની ટીમો જાહેર કરી દીધી છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્‍વ વિકેટકીપર-બેટ્‍સમેન કેએલ રાહુલ કરશે, જ્‍યારે દક્ષિણ આફ્રિકાની કમાન ટેમ્‍બા બાવુમા સંભાળશે. ભારતીય ટીમમાં ઋષભ પંત અને રવિન્‍દ્ર જાડેજાની વાપસી થઈ છે. જોકે, શુભમન ગિલ અને શ્રેયસ અય્‍યર ઈજાના કારણે તેમજ જસપ્રીત બુમરાહ, મોહમ્‍મદ સિરાજ અને અક્ષર પટેલ જેવા સ્‍ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્‍યો હોવાથી તેઓ ટીમનો ભાગ નથી.

વન-ડે શ્રેણીનો શેડ્‍યૂલ આ મુજબ છે. પ્રથમ વનડે ૩૦ નવેમ્‍બર - રાંચી, બીજી વનડે ૩ ડિસેમ્‍બર - રાયપુર, ત્રીજી વનડે ૬ ડિસેમ્‍બર - વિશાખાપટ્ટનમ, તમામ મેચો બપોરે ૧:૩૦ વાગ્‍યાથી નિહાળી શકાશે. ટેસ્‍ટ શ્રેણીની જેમ વન-ડે શ્રેણીનું લાઈવ ટેલિકાસ્‍ટ સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ નેટવર્ક પર થશે. જ્‍યારે મોબાઈલ યુઝર્સ માટે જીયો હોટસ્‍ટાર પર લાઈવ સ્‍ટ્રીમિગ ઉપલબ્‍ધ રહેશે.

ભારતીય ટીમ કેએલ રાહુલ (કેપ્‍ટન), રોહિત શર્મા, યશસ્‍વી જયસ્‍વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, ઋષભ પંત, વોશિગ્‍ટન સુંદર, રવીન્‍દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્‍ણા, અર્શદીપ સિહ, ધ્રુવ જુરેલ.

 

(11:11 AM IST)