તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ: તેંડુલકરનો મહા રેકોર્ડ તોડી નાખ્યો
કોહલીએ ક્રિકેટના કોઈ એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાની અદભૂત સિદ્ધિ હાંસલ કરી લીધી

રાંચીના મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વનડે શ્રેણીના પ્રથમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સુવર્ણ ઈતિહાસ રચ્યો છે. કોહલીએ ક્રિકેટના કોઈ એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાની અદભૂત સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
વિરાટ કોહલીએ પોતાની ઈનિંગના 103મા બોલે ચોગ્ગો ફટકારીને વનડે કારકિર્દીની 52મી સદી પૂરી કરી હતી. આ ઐતિહાસિક સદી સાથે જ તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદીનો રેકોર્ડ હતો. હવે વિરાટ કોહલી સચિનને પાછળ છોડીને કોઈ એક ફોર્મેટમાં (વનડેમાં) 52 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.
એક જ ફોર્મેટમાં સર્વાધિક સદી
- વિરાટ કોહલી - 52 (ODI)
- સચિન તેંડુલકર - 51 (Test)
વિરાટ કોહલીની વનડે કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 305 વનડે મેચ રમી છે, જેમાં તેણે કુલ 14,255 રન બનાવ્યા છે. તેના નામે હવે 52 સદી અને 75 અડધી સદી નોંધાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, 2024 માં T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ આ વર્ષે તેણે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું. હાલમાં તેનું સંપૂર્ણ ફોકસ અને લક્ષ્ય 2027 માં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપ પર છે.
દક્ષિણ આફ્રિકા સામેની આ શ્રેણી પહેલા, ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની અંતિમ મેચમાં કોહલીએ અણનમ 74 રનની નિર્ણાયક ઈનિંગ રમીને પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો હતો. તે શ્રેણીની શરૂઆતી બે મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હતો, પરંતુ ત્રીજી મેચમાં તેણે દમદાર વાપસી કરી હતી. તે મેચમાં કેપ્ટન રોહિત શર્માએ પણ સદી ફટકારી હતી. ભારતીય ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે કોહલી પોતાનું આ જ્વલંત ફોર્મ આખી શ્રેણી દરમિયાન જાળવી રાખશે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
