<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

'ગ્રોવેલ' વિવાદ: દ. આફ્રિકાના કોચ શુકરી કોનરાડે મૌન તોડ્યું, 'પસ્તાવો પણ માફી નહીં માગુ'

ટીમ ઈન્ડિયાને 'ઘૂંટણીએ લાવવા' (Grovel) જેવા વિવાદાસ્પદ શબ્દના ઉપયોગ પર હેડ કોચે સ્પષ્ટતા કરી: મારો ઈરાદો દુર્ભાવનાનો નહોતો, પરંતુ શબ્દની પસંદગી વધુ સારી હોઈ શકી હોત; ક્રિકેટમાં જાતિવાદ સાથે જોડાયેલા શબ્દને લઈને ભારે ટીકા થઈ હતી.

મુંબઈ: ભારત વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી દરમિયાન સાઉથ આફ્રિકાના હેડ કોચ શુકરી કોનરાડે એક વિવાદાસ્પદ નિવેદન આપીને ભારે ટીકાનો ભોગ બન્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં કોનરાડે ભારતીય ટીમ માટે 'ગ્રોવેલ' (Grovel) શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ 'કોઈને ઘૂંટણિયે લાવવું' અથવા 'અપમાનજનક રીતે ઝૂકાવવું' થાય છે. આ શબ્દ ગુલામી, સંસ્થાનવાદ અને જાતિવાદ સાથે જોડાયેલો હોવાથી ક્રિકેટ જગતમાં મોટો હોબાળો થયો હતો. આ શબ્દનો ઉપયોગ અગાઉ 1976માં પણ થયો હતો. હવે, વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી વનડે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં શુકરી કોનરાડે આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે.
કોચ શુકરી કોનરાડે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "મારો ઇરાદો ક્યારેય કોઈની પ્રત્યે દુર્ભાવના રાખવાનો કે કોઈ પણ વાત પર ઘમંડી થવાનો નહોતો." જોકે, તેમને આ શબ્દ વાપરવાનો પસ્તાવો છે. તેમણે ઉમેર્યું, "વિચારતા મને લાગ્યું કે હું આનાથી વધુ સારો શબ્દ પસંદ કરી શક્યો હોત, કારણ કે આનાથી લોકોને પોતપોતાની રીતે તેનો અર્થ કાઢવાનો મોકો મળી ગયો." જોકે, પસ્તાવો વ્યક્ત કરવા છતાં કોનરાડે ભારતીય ટીમની માફી માંગવા માટે ઇનકાર કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમનો મૂળ અર્થ ફક્ત એટલો જ હતો કે તેમની ટીમ "ભારત માટે મેદાન પર વસ્તુઓ ખૂબ મુશ્કેલ બનાવી દે."
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે 25 નવેમ્બરના રોજ ગુવાહાટી ટેસ્ટની ચોથી સાંજે કોનરાડને પૂછવામાં આવ્યું કે તેમની ટીમે 549 રનની લીડ લીધા પહેલા પાંચ કલાક અને ચાર મિનિટ સુધી બેટિંગ કેમ કરી? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "અમે ઈચ્છતા હતા કે ભારતીય ખેલાડીઓ મેદાન પર વધુમાં વધુ સમય વિતાવે. અમે ઈચ્છતા હતા કે તેઓ ખરેખર પરેશાન થાય, જેમ કે એક કહેવત છે. તેમને રમતમાંથી સંપૂર્ણપણે બહાર કરી દો, અને પછી કહો કે આવો આજે સાંજ, છેલ્લો દિવસ અને એક કલાક સુધી ટકી રહો." આ 48 શબ્દોના નિવેદનમાં વપરાયેલો 'ગ્રોવેલ' શબ્દ ક્રિકેટના ઇતિહાસમાં એક સંવેદનશીલ મુદો રહ્યો છે.
કોનરાડે આશા વ્યક્ત કરી કે તેમના નિવેદનથી ઊભો થયેલો વિવાદ હવે સમાપ્ત થશે. તેમણે શનિવારે અંતમાં કહ્યું, "આ ખરેખર દુઃખની વાત છે. કદાચ આનાથી વનડે શ્રેણી વધુ મજેદાર બની હશે અને ખાસ કરીને જ્યારે ભારતે હવે તે શ્રેણી જીતી લીધી છે, તો T20 શ્રેણી વધુ રોમાંચક બની જશે." જોકે, આ સ્પષ્ટતા બાદ પણ આ વિવાદાસ્પદ શબ્દના મૂળ અર્થ અને તેના ઐતિહાસિક સંદર્ભને લઈને ક્રિકેટ પંડિતોમાં ચર્ચા ચાલુ રહી શકે છે. આ નિવેદન ભવિષ્યમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ક્રિકેટ પ્રતિદ્વંદિતામાં ચોક્કસપણે એક મસાલો ઉમેરશે.

(11:35 AM IST)