તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th December 2025
IND vs SA 3rd ODI: રેકોર્ડ્સની વણઝાર! યશસ્વી, રોહિત, વિરાટ સહિત 5 દિગ્ગજોએ રચ્યો ઈતિહાસ
વિશાખાપટ્ટનમમાં ભારતની ભવ્ય શ્રેણી જીત: યશસ્વી જયસ્વાલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બન્યો, રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા અને વિરાટે સતત 50+ સ્કોરનો અનોખો રેકોર્ડ બનાવ્યો.

વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ): ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ (6 ડિસેમ્બર 2025) ભારતીય ટીમ માટે માત્ર શ્રેણી વિજય જ નહીં, પણ રેકોર્ડ્સની વણઝાર લઈને આવી હતી. ભારતીય ટીમે 271 રનનો લક્ષ્યાંક સરળતાથી 1 વિકેટે હાંસલ કરીને શ્રેણીનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ મેચ દરમિયાન ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલથી લઈને સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી સુધીના પાંચ ખેલાડીઓએ વિશેષ સિદ્ધિઓ હાંસલ કરીને ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
આ સિદ્ધિઓમાં સૌથી ચમકતી સિદ્ધિ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલના નામે રહી. વિશાખાપટ્ટનમમાં અણનમ 116 રનની સદી ફટકાર્યા બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં (ટેસ્ટ, ODI, T20I) સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શુભમન ગિલના નામે હતી. બીજી તરફ, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની ઇનિંગ્સમાં 27મો રન લેતી વખતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરનાર વિશ્વનો 14મો બેટ્સમેન બની ગયો હતો. તેણે 505 મેચોની 538 ઇનિંગ્સમાં 20,048 રન બનાવ્યા છે.
સિદ્ધિઓ માત્ર ભારતીય ખેલાડીઓ સુધી સીમિત નહોતી. સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉક પણ આ રેકોર્ડની વણઝારમાં જોડાયો. તેણે વનડે ફોર્મેટમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ સદી (23 સદી) ફટકારનાર શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાની બરાબરી કરી છે. ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીએ પણ એક અનોખો રેકોર્ડ બનાવ્યો. તે વનડેની 2 ઇનિંગ્સમાં સતત 2 વખત શૂન્ય પર આઉટ થયા પછીની આગામી 4 ઇનિંગ્સમાં 50+ નો સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ શૂન્ય પર આઉટ થયા બાદ તેણે અણનમ 74, 135, 102 અને અણનમ 65 રનની ઇનિંગ્સ રમી છે.
બોલિંગ વિભાગમાં, ભારતીય સ્પિનર કુલદીપ યાદવએ પણ ઇતિહાસ રચ્યો. તે વનડે ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વખત 4 વિકેટ ઝડપનાર (5 વખત 4 વિકેટ) સંયુક્ત રીતે પ્રથમ બોલર બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેટ લીની બરાબરી કરી છે. જોકે, કુલદીપે માત્ર 16 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે બ્રેટ લીએ 20 ઇનિંગ્સ લીધી હતી. આ તમામ રેકોર્ડ્સ દર્શાવે છે કે આ સિરીઝનું સમાપન ક્રિકેટ ચાહકો માટે રોમાંચક અને યાદગાર રહ્યું હતું.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
