તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th December 2025
'બેન સ્ટોક્સ શરમ કરો!' ઓસ્ટ્રેલિયા સામે એશેઝમાં ધબડકા બાદ ઈયાન બોથમે ઈંગ્લેન્ડની ટીમનો ઉધડો લીધો: કહ્યું- 'આ ટીમ રમવા લાયક નથી, ઈસીબીએ દર્શકોને ટિકિટના પૈસા પાછા આપવા જોઈએ'
ટીમના આ શરમજનક પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઈયાન બોથમે કેપ્ટન બેન સ્ટોક્સ અને ટીમ મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત એશેઝ સિરીઝ ૨૦૨૫-૨૬ની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ૮ વિકેટથી કારમી હાર થતાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ઈયાન બોથમ લાલઘૂમ થયા છે.
બ્રિસ્બેનમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં શરમજનક પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડ સિરીઝમાં ૦-૨થી પાછળ ધકેલાઈ ગયું છે. આ હારથી અકળાયેલા બોથમે કેપ્ટન બેન સ્ટોક્સ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, આ ટીમ એશેઝ રમવા માટે તૈયાર જ નથી અને બોર્ડે મેચ જોવા આવેલા નિરાશ ચાહકોને રિફંડ આપવું જોઈએ.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી એશેઝ સિરીઝ હંમેશા રોમાંચક હોય છે, પરંતુ ૨૦૨૫-૨૬ની વર્તમાન સિરીઝમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે.
બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં (પિંક બોલ ટેસ્ટ) ઈંગ્લેન્ડનો ૮ વિકેટથી પરાજય થયો હતો. પાંચ મેચોની આ સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ હવે ૦-૨થી પાછળ છે, જેણે ઈંગ્લિશ ક્રિકેટના સમર્થકો અને ભૂતપૂર્વ ખેલાડીઓને નારાજ કરી દીધા છે.
ટીમના આ શરમજનક પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઈયાન બોથમે કેપ્ટન બેન સ્ટોક્સ અને ટીમ મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જો હું ઈંગ્લેન્ડનો સમર્થક હોત અને અહીં મેચ જોવા માટે પૈસા ખર્ચ્યા હોત, તો હું ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) પાસે રિફંડની માંગણી કરત".
બોથમના મતે, આ ટીમ એશેઝ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે સજ્જ જ નથી.
બોથમે ખાસ કરીને ટીમના બોલરોની ફિટનેસ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે ટીમના બોલરો ફિટ અને મજબૂત છે".
સતત બીજી હાર બાદ કેપ્ટન બેન સ્ટોક્સની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે અને ક્રિકેટ જગતમાં ઈંગ્લેન્ડની ટીમની ભારે આલોચના થઈ રહી છે.
બોથમે તો ત્યાં સુધી કહી દીધું કે ખેલાડીઓએ શરમ અનુભવવી જોઈએ અને દર્શકોની માફી માંગવી જોઈએ.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
