<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

મેનેજરની ભુલના કારણે ક્રિકેટર કેમેરોન ગ્રીન માટે આઇપીએલ ઓકશનમાં જેકપોટ સાબિત થઇ શકે છે!

બીસીસીઆઇએ આઇપીએલ ર૦ર૬ ની હરાજીની યાદીમાં કેમેરોન ગ્રીનનું નામ પ્રથમ સેટ (બેટસમેન સેટ) માં સામેલ કરી દીધું, હવે હરાજીમાં ગ્રીનનું નામ શરૂઆતના રાઉન્‍ડમાં જ આવશે

નવી દિલ્‍હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના મેગા ઓક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં યોજાનારી આ હરાજીમાં તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કરવા તૈયાર છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર કેમેરોન ગ્રીન સાથે જોડાયેલો એક કિસ્સો ચર્ચાના કેન્દ્રમાં છે. ગ્રીન એક ઓલરાઉન્ડર હોવા છતાં તેનું નામ 'બેટ્સમેન' ની યાદીમાં સામેલ થવા પાછળનું સાચું કારણ હવે સામે આવ્યું છે.

કેમેરોન ગ્રીને ખુલાસો કર્યો છે કે એક વ્યક્તિની અજાણતા થયેલી ભૂલ હવે તેના માટે 'જેકપોટ' સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે ખેલાડીઓ જ્યારે હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવે છે, ત્યારે તેમણે પોતાની કેટેગરી (બેટ્સમેન, બોલર કે ઓલરાઉન્ડર) પસંદ કરવાની હોય છે. કેમેરોન ગ્રીને તાજેતરમાં સ્પષ્ટતા કરી છે કે તેના મેનેજરે રજીસ્ટ્રેશન સમયે ભૂલથી ખોટો વિકલ્પ પસંદ કરી લીધો હતો.

ગ્રીને કહ્યું કે, 'હું મેચમાં બોલિંગ પણ કરીશ. મને ખબર નથી કે મારા મેનેજરને આ વાત સાંભળવી ગમશે કે નહીં, પરંતુ આ ભૂલ તેમના દ્વારા જ થઈ હતી. તેઓ મને માત્ર બેટ્સમેન તરીકે પસંદ કરવા નહોતા માંગતા, પરંતુ ભૂલથી તેમણે ખોટા બોક્સ પર ટીક કરી દીધું હતું. આ સ્થિતિ થોડી રમુજી છે, પરંતુ જે થયું તે થઈ ગયું.'

BCCI એ જાહેર કરેલી IPL 2026 ની હરાજી યાદીમાં કેમેરોન ગ્રીનનું નામ હવે પ્રથમ સેટ (બેટ્સમેન સેટ) માં સામેલ છે. સામાન્ય રીતે ઓલરાઉન્ડર્સનો સેટ બેટ્સમેનોના સેટ પછી આવે છે. જો ગ્રીન ઓલરાઉન્ડર કેટેગરીમાં હોત, તો તેનું નામ મોડું આવ્યું હોત. ત્યાં સુધીમાં ટીમોએ અન્ય ખેલાડીઓ પાછળ મોટી રકમ ખર્ચી નાખી હોત.

હવે ગ્રીનનું નામ શરૂઆતના રાઉન્ડમાં જ આવશે. હરાજીની શરૂઆતમાં તમામ ફ્રેન્ચાઈઝી પાસે તેમના પર્સમાં પૂરેપૂરા પૈસા હોય છે. તેથી, ટીમો ગ્રીન જેવા સ્ટાર ખેલાડી પર મોટી બોલી લગાવવા માટે સક્ષમ હશે.

 

(1:56 PM IST)