તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
એશિઝમાં ટેકનોલોજીનો ‘લોચો’: એડિલેડ ટેસ્ટમાં સ્નિકોમીટરના ખોટા નિર્ણયોથી ઈંગ્લેન્ડ છંછેડાયું, અમ્પાયરિંગ પર ઉઠ્યા સવાલ
જેમી સ્મિથના વિવાદાસ્પદ આઉટથી એડિલેડમાં હંગામો; ઓસ્ટ્રેલિયાના સીઈઓ સ્વીકાર્યું- "ટેકનોલોજીમાં ખામી સ્વીકાર્ય નથી", શ્રેણીમાં ડ્રામા ચરમસીમાએ

એડિલેડ, તા. ૧૮ : ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી એશિઝ શ્રેણી અત્યારે મેદાન પરના પ્રદર્શન કરતા ટેકનોલોજીના વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. એડિલેડ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેન જેમી સ્મિથને જે રીતે આઉટ આપવામાં આવ્યો, તેણે સ્નિકોમીટર (Sniko) ટેકનોલોજીની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કરી દીધા છે. ઈંગ્લેન્ડની ટીમ અત્યારે ૮ વિકેટે ૨૧૩ રન બનાવીને સંઘર્ષ કરી રહી છે, ત્યારે આ વિવાદે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
બેટને સ્પર્શ પણ ન થયો છતાં સ્નિકોએ બતાવી ‘સ્પાઇક’
ઘટના ત્યારે બની જ્યારે જેમી સ્મિથ ૨૨ રને રમી રહ્યો હતો. પેટ કમિન્સના એક બોલ પર સ્મિથ હવામાં શોટ રમવા ગયો, પણ બોલ અને બેટ વચ્ચે સ્પષ્ટ અંતર દેખાતું હતું. મેદાન પરના અમ્પાયર નીતિન મેનને આઉટ આપવાની ના પાડી, પરંતુ ત્રીજા અમ્પાયર ક્રિસ ગેફનીએ રિવ્યૂમાં જોયું કે સ્નિકો પર અવાજનો સંકેત (Spike) હતો. વીડિયો રિપ્લેમાં કોઈ સ્પષ્ટ ટચ દેખાતો ન હોવા છતાં સ્નિકોના આધારે સ્મિથને આઉટ જાહેર કરાતા ઈંગ્લેન્ડના કેમ્પમાં રોષ જોવા મળ્યો હતો.
ગઈકાલે ઓસ્ટ્રેલિયાને ફાયદો, આજે ઈંગ્લેન્ડને નુકસાન
રસપ્રદ વાત એ છે કે ટેસ્ટના પહેલા દિવસે ટેકનોલોજીની ખામીને કારણે ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરી આઉટ હોવા છતાં બચી ગયા હતા. કેરીએ આ જીવનદાનનો ફાયદો ઉઠાવી ૧૦૬ રન ફટકાર્યા હતા. હવે બીજા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેન સાથે થયેલા અન્યાયને કારણે મામલો બિચક્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ટોડ ગ્રીનબર્ગે પણ કબૂલ્યું છે કે ટેકનોલોજીમાં આવી ખામીઓ "પૂરતી સારી નથી" અને તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે.
ખેલાડીઓમાં ભારે અસંતોષ: "સ્નિકોને હટાવો"
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે પણ આ ટેકનોલોજી પર ગુસ્સો ઠાલવતા સ્ટમ્પ માઈક પર કહ્યું હતું કે, "સ્નિકોને પદ પરથી હટાવવાની જરૂર છે." જોકે, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈક આથર્ટને આ મામલે શાંત રહેવાની સલાહ આપી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ૨-૦ થી આગળ છે, પરંતુ એડિલેડમાં થઈ રહેલા આ ટેકનોલોજીકલ ‘બ્લન્ડર્સ’ હાર-જીતનો નિર્ણય બદલી શકે છે તેવું દેખાઈ રહ્યું છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
