તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
U19 એશિયા કપ ફાઈનલ: પાકિસ્તાની 'સમીર'ના વાવાઝોડામાં ભારતનો ધબડકો, ખિતાબ જીતવાનું સપનું રોળાયું
સમીર મિનહાસના ૧૭૨ રનની તોફાની ઇનિંગ સામે ભારતીય બોલર્સ લાચાર; ૩૪૮ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડરે હથિયાર હેઠા મૂક્યા, માત્ર ૧૩ ઓવરમાં અડધી ટીમ પેવેલિયન ભેગી

દુબઈ : અંડર-૧૯ એશિયા કપની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં આજે પાકિસ્તાને ભારત સામે પ્રચંડ પ્રદર્શન કરતા એશિયાઈ ક્રિકેટ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. દુબઈના મેદાન પર રમાયેલી આ નિર્ણાયક મેચમાં ભારતીય કેપ્ટન આયુષે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પાકિસ્તાનના ઓપનર સમીર મિનહાસે ભારતના તમામ ગણિત ઊંધા પાડી દીધા હતા. સમીરે ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરતા ૧૭૨ રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેના કારણે પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૩૪૭ રનનો જંગી સ્કોર ઉભો કરી દીધો હતો.
ભારતીય બોલિંગ આક્રમણ આજે સંપૂર્ણપણે વિખેરાયેલું જોવા મળ્યું હતું. જોકે, ડી. દિપેશે ત્રણ વિકેટ લઈને થોડો સંઘર્ષ જરૂર કર્યો હતો અને ખિલન તેમજ હેનિલ પટેલે બે-બે વિકેટ ઝડપી હતી, પરંતુ રન ગતિ પર અંકુશ મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. સમીર મિનહાસ અને અહેમદ હુસૈન (૫૬ રન) વચ્ચેની ભાગીદારીએ ભારતીય ફિલ્ડરોને મેદાનમાં ચારેબાજુ દોડતા કરી દીધા હતા. પાકિસ્તાને ઉભો કરેલો ૩૪૮ રનનો આ લક્ષ્યાંક અંડર-૧૯ ક્રિકેટ અને તે પણ ફાઈનલ જેવા દબાણ હેઠળ ભારત માટે હિમાલય ચઢવા જેવો સાબિત થયો.
જ્યારે ભારતીય ટીમ રન ચેઝ કરવા મેદાનમાં ઉતરી, ત્યારે અપેક્ષા હતી કે વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે સારી શરૂઆત આપશે. પરંતુ પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ મેદાનમાં આગ ઓકતી બોલિંગ કરી હતી. જે ટીમ ઇન્ડિયાએ આખા ટૂર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી હતી, તે ફાઈનલના દબાણમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. માત્ર ૧૩ ઓવરના ગાળામાં ભારતે પોતાની ૬ મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી. કેપ્ટન આયુષ માત્ર ૨ રને આઉટ થતા જ પાકિસ્તાની છાવણીમાં વિજયના ઉત્સવની શરૂઆત થઈ ગઈ હતી.
વૈભવ સૂર્યવંશીએ ૩ ગગનચુંબી છગ્ગા ફટકારીને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ ૨૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એરોન જોર્જ, વિહાન અને વેદાંત જેવા મધ્યમ ક્રમના બેટ્સમેનો સસ્તામાં આઉટ થતા ભારતની હાર નિશ્ચિત જણાઈ રહી હતી. પાકિસ્તાની બોલરોની લાઈન અને લેન્થ સામે ભારતીય યુવા બેટર્સ પાસે કોઈ જવાબ નહોતો. એશિયા કપની આ ફાઈનલ ભારતીય ચાહકો માટે નિરાશાજનક રહી, કારણ કે ટીમ ઇન્ડિયા ફાઈનલના મંચ પર પોતાની લડાયક ક્ષમતા બતાવવામાં નિષ્ફળ રહી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
