<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ન્યૂઝીલેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં તૂટ્યો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ

ઐતિહાસિક મેચ! ૫ સેન્ચુરી, ૧૪૨૯ રન... :ન્યુઝીલેન્ડે સીરિઝ ૨-૦થી જીતી : બીજી મેચ ડ્રો રહી, સીરિઝની છેલ્લી મેચ માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ હતી

માઉન્ટ માઉંગાનુઈ : ત્રણ મેચની સીરિઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તેઓ એક પણ મેચ જીતી ન શક્યા. ન્યુઝીલેન્ડે સીરિઝ ૨-૦થી જીતી લીધી. બીજી મેચ ડ્રો રહી. સીરિઝની છેલ્લી મેચ માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ હતી, જ્યાં યજમાન ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ૩૨૩ રનથી કારમી હાર આપી હતી. છેલ્લી મેચમાં બંને ટીમોએ ૧૪૦૦ થી વધુ રન બનાવ્યા, જેણે ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વાસ્તવમાં માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો વચ્ચે ઈતિહાસના સૌથી વધુ રન બનાવનારી મેચ સાબિત થઈ. આ મેચમાં બંને ટીમોએ કુલ ૧,૪૩૯ રન બનાવ્યા. આ પહેલા સૌથી વધુ રન બનાવનારી મેચ ૨૦૧૩માં ડ્યુનેડિનમાં રમાઈ હતી, જેમાં કુલ ૧,૪૦૮ રન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ બંને ટીમોએ ૧,૪૩૯ રન બનાવ્યા છે અને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મેચમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ સંયુક્ત રીતે કુલ ૧,૪૩૯ રન બનાવ્યા. આ NZ vs WI ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૮ વિકેટ ગુમાવીને ૫૭૫ રન બનાવ્યા અને પછી ઈનિંગ ડિકલેર કર્યો હતો. ટોમ લેથમે ૧૩૭ રન બનાવ્યા, જ્યારે ડેવોન કૉનવેએ ૨૨૭ રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે ૪૨૦ રન બનાવ્યા હતા. કિવી ટીમ માટે બંને ઓપનરોએ બીજી ઈનિંગમાં સદી ફટકારી. લાથમે ૧૦૧ રન બનાવ્યા હતા જ્યારે કૉનવેએ ૧૦૦ રન બનાવ્યા. કિવી ટીમે ૩૦૬/૨ પર ઈનિંગ ડિકલેર કરી, જેનાથી વેસ્ટ ઈન્ડિઝને ૪૬૨ રનનો મોટો ટાર્ગેટ મળ્યો. ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝ ૧૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ૩૨૩ રનથી મેચ હારી ગયું.

આ મેચમાં જ્યારે આપણે બંને ઈનિંગ્સના ટોટલ રન ઉમેરીએ છીએ તો તે ૧૪૩૯ થાય છે. કુલ ૫ સદી ફટકારવામાં આવી હતી. ૪ સદી તો બંને કિવી ઓપનરોએ ફટકારી હતી અને એક વેસ્ટ ઈન્ડીઝની પ્રથમ ઈનિંગ્સમાં આવી હતી, જે કાવેમ હૉજે ફટકારી હતી. તેણે ૨૭૫ બોલમાં ૧૫ ચોગ્ગાની મદદથી ૧૨૩ રન બનાવ્યા હતા. આખી મેચમાં કુલ ૪૦ વિકેટ પણ પડી હતી. ન્યૂઝીલેન્ડે પહેલા બેટ અને પછી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઈન્ડીઝ સામે મોટી જીત નોંધાવીને સીરિઝ ૨-૦થી પોતાના નામે કરી. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફીએ ૪૨ રન આપીને ૫ બેટ્સમેનોની વિકેટ લીધી હતી, જ્યારે એજાઝ પટેલે ૨૩ રન આપીને ૩ વિકેટ ખેરવી હતી.

NZ vs WI ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન વાળી ટોપ-૪ મેચ

૧૪૩૯ રન માઉન્ટ માઉંગાનુઈ ટેસ્ટ (ડિસેમ્બર ૨૦૨૫)

૧૪૦૮ રન ડ્યુનેડિન ટેસ્ટ (ડિસેમ્બર ૨૦૧૩)

૧૩૪૮ રન - કિંગ્સ્ટન ટેસ્ટ (ફેબ્રુઆરી ૧૯૭૨)

૧૩૨૧ રન - ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ (ડિસેમ્બર ૨૦૨૫)

(7:55 PM IST)