તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
WPL 2026: દિલ્હી કેપિટલ્સમાં 'જેમિમા યુગ'નો પ્રારંભ! મેગ લેનિંગની વિદાય બાદ સ્ટાર બેટર જેમિમા રોડ્રિગ્સ બની ટીમની નવી કેપ્ટન
વર્લ્ડ કપ વિજેતા હીરો જેમિમા પર દિલ્હી ફ્રેન્ચાઈઝીએ ઉતાર્યો પસંદગીનો કળશ; ભારતીય નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરશે DC, આજે થશે સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી : મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સિઝન પહેલા ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ (DC) એ તેમની ટીમની કમાન ભારતીય બેટર જેમિમા રોડ્રિગ્સના હાથમાં સોંપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ મેગ લેનિંગ ટીમનું નેતૃત્વ કરતી હતી, પરંતુ હવે ફ્રેન્ચાઈઝીએ ભારતીય ખેલાડી પર ભરોસો મૂકીને નવા ચક્રની શરૂઆત કરી છે.
પાર્થ જિંદાલના સંકેત બાદ લેવાયો નિર્ણય
ગયા મહિને યોજાયેલી હરાજી દરમિયાન દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આગામી સિઝન માટે ભારતીય કેપ્ટન ઈચ્છે છે. જેમિમા શરૂઆતથી જ દિલ્હીની યોજનાઓનો મહત્વનો ભાગ રહી છે. ૨૦૨૩ની પ્રથમ હરાજીમાં પણ દિલ્હીએ સૌથી પહેલા તેના પર જ બોલી લગાવી હતી. જેમિમા અગાઉ ટીમની વાઇસ કેપ્ટન પણ રહી ચુકી છે, તેથી તેનું પ્રમોશન અપેક્ષિત માનવામાં આવતું હતું.
વર્લ્ડ કપ વિજયની સ્ટાર છે જેમિમા
જેમિમા હાલમાં શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં જ યોજાયેલા મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫માં ભારતને ચેમ્પિયન બનાવવામાં તેની ભૂમિકા પાયાની રહી હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામેના સેમીફાઈનલમાં ૩૪૦ રનના વિશાળ સ્કોરનો પીછો કરતા તેણે અણનમ ૧૨૭* રન ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેના આ વિસ્ફોટક ફોર્મ અને નેતૃત્વ ક્ષમતાને જોતા દિલ્હી કેપિટલ્સે તેને ૨.૨ કરોડ રૂપિયામાં રિટેન કરી છે.
દિલ્હી કેપિટલ્સની નવી ટીમ
મેગ લેનિંગ હવે આ સિઝનમાં યુપી વોરિયર્સ તરફથી રમતી જોવા મળશે. બીજી તરફ, દિલ્હીએ જેમિમાની સાથે શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કાપ અને અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન નિકી પ્રસાદ જેવા મજબૂત ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખ્યા છે.
જેમિમાએ અત્યાર સુધી WPLની તમામ ૨૭ મેચો રમી છે અને ૧૩૯.૬૬ ના સ્ટ્રાઈક રેટથી ૫૦૭ રન બનાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તે કેપ્ટન તરીકે દિલ્હી કેપિટલ્સને તેમનું પ્રથમ WPL ટાઇટલ અપાવી શકે છે કે કેમ.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
