તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
IPL હરાજીમાં ઠુકરાવાયા પણ મેદાનમાં વરસી પડ્યા: સ્વસ્તિક સમાલે બેવડી સદી ફટકારી રચ્યો ઇતિહાસ; યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડી આખી દુનિયાને ચોંકાવી
વિજય હજારે ટ્રોફીમાં ઓડિશાના શેરની ગર્જના; સૌરાષ્ટ્રના બોલરોને ધોઈ નાખી લિસ્ટ-A ક્રિકેટમાં ૨૧૨ રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો

નવી દિલ્હી: ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, અને આ વાત સાબિત કરી બતાવી છે ઓડિશાના ૨૫ વર્ષીય બેટ્સમેન સ્વસ્તિક સમાલે. હજુ થોડા દિવસો પહેલા જ IPL 2026ની હરાજીમાં કોઈ પણ ટીમે તેમને ખરીદવામાં રસ નહોતો બતાવ્યો, પણ બુધવારે વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રમાયેલી મેચમાં સ્વસ્તિકે એવી બેટિંગ કરી કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું. તેણે માત્ર બેવડી સદી જ નથી ફટકારી, પરંતુ ભારતીય સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો વર્ષો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
યશસ્વીનો રેકોર્ડ ધરાશાયી
યશસ્વી જયસ્વાલે ૨૦૧૯માં ઝારખંડ સામે ૨૦૩ રન બનાવીને લિસ્ટ-A ક્રિકેટમાં સનસનાટી મચાવી હતી. આજે સ્વસ્તિક સમાલે ૨૧૨ રનની ઇનિંગ રમીને આ આંકડાને પાર કરી લીધો છે. સ્વસ્તિકે પોતાની ઇનિંગ દરમિયાન ૨૧ ચોગ્ગા અને ૮ ગગનચુંબી છગ્ગા ફટકારીને સૌરાષ્ટ્રના બોલરોની લાઇન અને લેન્થ બગાડી નાખી હતી. આ સાથે જ તે લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ઓડિશાનો પ્રથમ અને ભારતનો ૧૪મો ખેલાડી બની ગયો છે.
ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે બનીને આવ્યા તારણહાર
મેચની શરૂઆતમાં ઓડિશાની ટીમ મુશ્કેલીમાં હતી અને ૧૨મી ઓવરમાં ૫૯ રને ૩ વિકેટ ગુમાવી દીધી હતી. આવા સમયે સ્વસ્તિકે કેપ્ટન બિપ્લબ સામંત્રે સાથે મળીને ૨૬૧ રનની રેકોર્ડબ્રેક ભાગીદારી નોંધાવી. સામંત્રેએ પણ શાનદાર સાથ આપ્યો, જેના કારણે ઓડિશાની ટીમે ૫૦ ઓવરમાં ૩૪૫ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. સ્વસ્તિકનો આ સ્કોર વિજય હજારે ટ્રોફીના ઇતિહાસમાં પાંચમો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.
કોણ છે આ નવો સ્ટાર સ્વસ્તિક સમાલ?
૨૫ વર્ષીય સ્વસ્તિકે ૨૦૧૯માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે શરૂઆતની મેચોમાં તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે શાનદાર ફોર્મમાં છે. લિસ્ટ-Aમાં માત્ર ૧૪મી મેચ રમી રહેલા આ ખેલાડીએ સાબિત કરી દીધું છે કે તેમાં મોટી ઇનિંગ રમવાની ક્ષમતા છે. IPLની હરાજીમાં ભલે તે વેચાયા ન હોય, પરંતુ આ બેવડી સદી બાદ ચોક્કસપણે તમામ ફ્રેન્ચાઇઝીઓની નજર હવે આ ખેલાડી પર રહેશે.
વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી નારાયણ જગદીશન (૨૭૭ રન) અને પૃથ્વી શો (૨૨૭ રન) જેવા દિગ્ગજોના નામે મોટા સ્કોર છે, અને હવે સ્વસ્તિક સમાલે પણ તે ક્લબમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
