તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
૧૯૮૬માં ક્રિકેટ જગતનો સૌથી મોટો 'ચમત્કાર': માત્ર ૧ રન આપીને ઝડપી ૫ વિકેટ! કર્ટની વોલ્શની કાતિલ બોલિંગ સામે શ્રીલંકાની ટીમ પત્તાના મહેલની જેમ ૫૫ રનમાં વેરાઈ ગઈ હતી!
શારજાહના મેદાન પર વોલ્શે ફેંક્યો હતો 'મોતનો પંજો' - ૪.૩ ઓવરમાં ૩ મેડન સાથે રચ્યો ઈતિહાસ; બીજી તરફ ટેસ્ટમાં નિષ્ફળતા બાદ ગૌતમ ગંભીરનું કોચ પદ જોખમમાં હોવાની અટકળો તેજ

નવી દિલ્હી : ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે, જ્યાં રેકોર્ડ્સ બને છે અને તૂટે છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડરી બોલર કર્ટની વોલ્શે આજે (ડિસેમ્બર મહિનામાં) વર્ષ ૧૯૮૬માં જે પરાક્રમ કર્યું હતું, તે આજે પણ ક્રિકેટ પ્રેમીઓના રુવાડા ઉભા કરી દે છે. શારજાહના રણમેદાનમાં રમાયેલી એક વન-ડે મેચમાં વોલ્શે માત્ર ૧ રન આપીને ૫ વિકેટ ઝડપીને દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી.
જ્યારે શ્રીલંકા માટે વોલ્શ 'કાળ' બન્યો
૩ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામસામે હતા. વિન્ડીઝે આપેલા ૨૪૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ કર્ટની વોલ્શની ઘાતક બોલિંગ સામે લાચાર દેખાઈ હતી. વોલ્શે માત્ર ૪.૩ ઓવર ફેંકી હતી, જેમાં ૩ ઓવર મેડન હતી અને માત્ર એક સિંગલ રન આપીને શ્રીલંકાના ૫ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. આ ચમત્કારિક સ્પેલને કારણે આખી શ્રીલંકન ટીમ માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વોલ્શનો આ રેકોર્ડ આજે પણ વન-ડે ક્રિકેટના શ્રેષ્ઠ સ્પેલમાં ટોચ પર છે.
ટીમ ઇન્ડિયામાં કોચ બદલાવાની આહટ? ગંભીરના ટેસ્ટ રેકોર્ડથી BCCI નારાજ
નવી દિલ્હી | તા.૨૭ : એકબાજુ ભૂતકાળના સુવર્ણ રેકોર્ડ્સની ચર્ચા છે, તો બીજીબાજુ વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમે વન-ડે અને T20 માં ભલે સફળતા મેળવી હોય, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરની રણનીતિ નિષ્ફળ સાબિત થઈ રહી છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં મળેલી હાર બાદ હવે ગંભીરને ટેસ્ટ કોચના પદેથી હટાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
VVS લક્ષ્મણ પર BCCIની નજર?
સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI ના ટોચના અધિકારીઓએ અનૌપચારિક રીતે વી.વી.એસ. લક્ષ્મણનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ટેસ્ટ ટીમના કોચ બનવા માટે પૂછ્યું હતું. જોકે, લક્ષ્મણ હાલ બેંગલુરુમાં 'સેન્ટર ઓફ એક્સેલન્સ'ના વડા તરીકે કાર્યરત રહેવા ઈચ્છે છે. ગંભીરનો કરાર ૨૦૨૭ સુધીનો છે, પરંતુ આગામી T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શન બાદ ટેસ્ટ કોચ તરીકે તેમના ભવિષ્યનો આખરી નિર્ણય લેવામાં આવી શકે છે.
ક્રિકેટ ફેન્સ હવે એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે શું ગંભીર પોતાની રણનીતિ બદલી શકશે કે પછી ટેસ્ટ ક્રિકેટ માટે ભારતને નવો કોચ મળશે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
