<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

રિષભ પંતનું પત્તું કપાશે? T20 બાદ હવે વનડે ટીમમાંથી પણ રજા મળવાના એંધાણ, BCCI લેશે કઠોર નિર્ણય

ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝ માટે ઈશાન કિશનની થઈ શકે છે ધમાકેદાર વાપસી: વિજય હજારે ટ્રોફીમાં માત્ર 33 બોલમાં સદી ફટકારી કિશને પંતની મુશ્કેલી વધારી અને સિલેક્ટર્સને વિચારવા મજબૂર કર્યા

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમમાં ટૂંક સમયમાં મોટો ભૂકંપ આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત હવે ODI ફોર્મેટમાંથી પણ બહાર થઈ શકે છે. T20 વર્લ્ડ કપ 2026 ના પ્લાનિંગમાંથી પંતને પહેલેથી જ સાઈડલાઈન કરી દેવામાં આવ્યો છે, અને હવે આગામી ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ માટે તેનું સિલેક્શન જોખમમાં જણાઈ રહ્યું છે. BCCI ની સિલેક્શન કમિટી હવે યુવા અને ઇન-ફોર્મ ખેલાડીઓ તરફ નજર દોડાવી રહી છે, જેમાં પંતનું સતત કથળતું ફોર્મ તેના માટે વિલન સાબિત થઈ રહ્યું છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 થી 18 જાન્યુઆરી દરમિયાન ત્રણ વનડે મેચોની જંગ જામવાની છે. આ સીરીઝ માટે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ટીમની જાહેરાત થવાની શક્યતા છે. રિષભ પંતે છેલ્લી વનડે શ્રીલંકા સામે રમી હતી અને ત્યારબાદ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં તેને બેન્ચ પર બેસી રહેવું પડ્યું હતું. કેએલ રાહુલ વિકેટકીપર તરીકે મેનેજમેન્ટની પ્રથમ પસંદગી બની ગયો હોવાથી પંત માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે. હવે સિલેક્ટર્સ પંતના વિકલ્પ તરીકે એક એવા ખેલાડીને જોઈ રહ્યા છે જે ટોપ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ કરી શકે.

પંતની વિદાય પાછળનું સૌથી મોટું કારણ ઈશાન કિશનનું 'રૂદ્ર' અવતાર જેવું ફોર્મ માનવામાં આવે છે. લાંબા સમયથી ટીમની બહાર રહેલા ઈશાન કિશને ઘરેલું ક્રિકેટમાં રનનો ડુંગર ખડકી દીધો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડને ચેમ્પિયન બનાવ્યા બાદ, તેણે વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. લિસ્ટ A ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી ભારતીય સદી ફટકારીને તેણે સાબિત કરી દીધું છે કે તે વનડે ટીમમાં વાપસી કરવા માટે પૂરેપૂરો તૈયાર છે.

BCCI હવે 2027 ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમનું નવું માળખું તૈયાર કરી રહ્યું છે. જો પંતને ન્યુઝીલેન્ડ સીરીઝમાં સ્થાન નહીં મળે, તો તેનો અર્થ એ થશે કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પંતનું ભવિષ્ય હવે અંધકારમય છે. ટીમ મેનેજમેન્ટ પંતને માત્ર ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે રાખવા માંગે છે કે શું, તે આગામી અઠવાડિયે ટીમની જાહેરાત સાથે સ્પષ્ટ થઈ જશે. હાલ તો સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે 'પંત vs કિશન' ની જંગ તેજ બની છે અને સિલેક્ટર્સ કયા ખેલાડી પર દાવ લગાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

 

(11:18 AM IST)