તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
બિહારના ‘બિજલી’ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો તરખાટ: વિજય હજારે ટ્રોફીમાં ૩૧૦ના સ્ટ્રાઈક રેટથી મચાવી ધૂમ
માત્ર ૧૦ બોલમાં ઠોકી દીધા ૩૧ રન; લિસ્ટ-એ ક્રિકેટમાં એબી ડી વિલિયર્સનો વર્લ્ડ રેકોર્ડ તોડનાર ૧૪ વર્ષીય વૈભવ હવે દક્ષિણ આફ્રિકામાં ભારતનું નેતૃત્વ કરશે

રાંચી, તા.૩૦ : ભારતીય ક્રિકેટ જગતમાં હાલમાં એક જ નામની ચર્ચા છે અને તે છે - વૈભવ સૂર્યવંશી. બિહારના આ ૧૪ વર્ષીય ડાબોડી બેટ્સમેને વિજય હજારે ટ્રોફીમાં પોતાની તોફાની બેટિંગથી ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. મેઘાલય સામેની મેચમાં ૨૧૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા વૈભવે ક્રીઝ પર આવતાની સાથે જ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી. તેણે માત્ર ૧૦ બોલમાં ૩૧૦ના સ્ટ્રાઈક રેટથી ૩૧ રન ફટકારી દીધા હતા.
રેકોર્ડબ્રેક બેટિંગ અને વિસ્ફોટક ફોર્મ
સમસ્તીપુરના આ વુંડર કિડ (Wonder Kid) એ પોતાની ૧૦ બોલની નાની પણ યાદગાર ઇનિંગમાં ૬ આકર્ષક ચોગ્ગા અને ૧ ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. જોકે, તે પોતાની આ આક્રમક શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહીં અને પાંચમી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ, આ અગાઉ તેણે અરુણાચલ પ્રદેશ સામે માત્ર ૮૪ બોલમાં ૧૯૦ રનની પ્રચંડ ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે માત્ર ૩૬ બોલમાં સદી ફટકારી હતી અને ૫૯ બોલમાં ૧૫૦ રન પૂરા કરીને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સનો (૬૪ બોલમાં ૧૫૦ રન) વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
વિશ્વનો સૌથી યુવા સદી ફટકારનાર ખેલાડી
વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ માટે IPL રમનાર આ ખેલાડીની પ્રતિભા જોઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને મળીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેની રમવાની આક્રમક શૈલી અને આટલી નાની ઉંમરે તેનામાં રહેલી મેચની સમજ તેને ભવિષ્યનો સુપરસ્ટાર સાબિત કરી રહી છે.
દક્ષિણ આફ્રિકા સામે ભારત U19 ટીમનું નેતૃત્વ કરશે
રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શનના ઇનામ તરીકે વૈભવને ભારતની અંડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, અંડર-૧૯ વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં તે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો પણ જોવા મળશે. નિયમિત કેપ્ટન આયુષ મ્હાત્રે ઇજાના કારણે બહાર થતા હવે આ જવાબદારી વૈભવના ખભા પર આવી છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
