તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ જોખમમાં! વિરાટ કોહલી સચિન તેંડુલકરના ૨૮,૦૦૦ રનના મહાકિર્તીમાનને તોડવાથી માત્ર ડગલાં દૂર
ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રચાશે નવો ઈતિહાસ; આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૮,૦૦૦ રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટર બનવાની તક

વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અત્યારે પ્રચંડ ફોર્મમાં છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડે શ્રેણીમાં કોહલીએ ૩ મેચમાં ૩૦૨ રન ફટકારીને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. આ શ્રેણીમાં તેમણે બે શાનદાર સદી અને એક અડધી સદી ફટકારી હતી. હવે તેમનું આગામી લક્ષ્ય જાન્યુઆરી ૨૦૨૬માં ન્યુઝીલેન્ડ સામે રમાનારી ૩ મેચની વનડે શ્રેણી છે, જેમાં તેઓ સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડને તોડી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર બે જ ખેલાડીઓ ૨૮,૦૦૦ રનના આંકડાને સ્પર્શી શક્યા છે - સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા. વિરાટ કોહલી અત્યારે ૨૭,૯૭૫ રન પર છે. એટલે કે, ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં જો તેઓ માત્ર ૨૫ રન બનાવી લેશે, તો તેઓ ૨૮,૦૦૦ આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર વિશ્વના ત્રીજા અને ભારતની બીજી વ્યક્તિ બની જશે. મહત્વની વાત એ છે કે, વિરાટ આ સિદ્ધિ માત્ર ૬૨૩ ઇનિંગ્સમાં મેળવવાની તૈયારીમાં છે, જે સચિન તેંડુલકર (૭૮૨ ઇનિંગ્સ) અને સંગાકારા (૬૬૬ ઇનિંગ્સ) કરતા ઘણી ઝડપી હશે.
ન્યુઝીલેન્ડ સામેની આ વનડે શ્રેણી ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. શ્રેણીની પ્રથમ મેચ વડોદરામાં રમાશે, જ્યારે બીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાવાની છે. ઘરઆંગણે રમાનારી આ મેચોમાં વિરાટ કોહલી વડોદરામાં જ સચિનનો આ રેકોર્ડ તોડી નાખે તેવી પ્રબળ શક્યતા છે.
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વનડે શ્રેણીનું શેડ્યૂલ:
મેચ તારીખ સ્થળ
૧લી ODI ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ વડોદરા (કોટંબી સ્ટેડિયમ)
૨જી ODI ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ રાજકોટ (નિરંજન શાહ સ્ટેડિયમ)
૩જી ODI ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ ઇન્દોર (હોલ્કર સ્ટેડિયમ)
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કોહલીએ સચિનના ૫૧ ટેસ્ટ સદીના રેકોર્ડને વનડે ફોર્મેટમાં (૫૨મી સદી) પાર કરીને નવો ઈતિહાસ રચ્યો હતો. હવે ફરી એકવાર આખું વિશ્વ વિરાટના બેટમાંથી રેકોર્ડબ્રેક રનની અપેક્ષા રાખી રહ્યું છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
