તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
સાઉથ આફ્રિકામાં ભારતીય અંડર-૧૯ સ્ટાર વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું: માત્ર ૧૯ બોલમાં ફટકારી સદી, ૨૪ બોલમાં ૬૮ રન:
સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતીય યુવા બેટરે મેદાનની ચોતરફ સિક્સરોનો વરસાદ વરસાવ્યો: માત્ર ૨૧ બોલમાં ૧૦ સિક્સ અને ૧૯ બોલમાં અડધી સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો: વૈભવના તોતિંગ છગ્ગાથી બોલ મેદાન બહાર જતો રહેતા મેચ થોડો સમય અટકાવવી પડી’તી

બેનોની (સાઉથ આફ્રિકા): સાઉથ આફ્રિકાની ધરતી પર હાલ રમાઈ રહેલી અંડર-૧૯ ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ટીમના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તરખાટ મચાવ્યો છે. બેનોની સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વૈભવે ટી-૨૦ અંદાજમાં બેટિંગ કરતા સાઉથ આફ્રિકન બોલરોની ધોલાઈ કરી નાખી હતી. તેણે માત્ર ૧૯ બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ મેચમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૪૫ રન બનાવ્યા હતા. જવાબમાં ઉતરેલી ભારતીય ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી શરૂઆતથી જ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. તેણે સાઉથ આફ્રિકન બોલર બેસનના પહેલા જ બોલ પર ડીપ બેકવર્ડ પોઈન્ટ પર શાનદાર સિક્સ ફટકારી હતી. ત્યારબાદ તેણે મેદાનની ચોતરફ ફટકાબાજી ચાલુ રાખી હતી.
વૈભવની બેટિંગનું રૌદ્ર સ્વરૂપ એ હતું કે તેણે માત્ર ૨૧ બોલનો સામનો કરીને ૧૦ ગગનચુંબી સિક્સ ફટકારી દીધી હતી. જ્યારે તેણે પોતાની સાતમી સિક્સ મારી ત્યારે બોલ સ્ટેડિયમની બહાર જતો રહ્યો હતો. ઘણો સમય શોધવા છતાં બોલ ન મળતા, છેવટે નવો બોલ લાવીને મેચ આગળ વધારવી પડી હતી. આ ઘટનાના કારણે થોડીવાર માટે રમત અટકાવી દેવી પડી હતી.
વૈભવે આઠમી સિક્સ સાથે માત્ર ૧૯ બોલમાં પોતાની હાફ સેન્ચ્યુરી (અડધી સદી) પૂરી કરી હતી. નવાઈની વાત એ છે કે તેની આ ૫૦ રનની ઇનિંગમાં એકપણ ચોગ્ગો સામેલ નહોતો, માત્ર સિક્સરોથી જ તેણે આ સ્કોર ખડક્યો હતો. છેવટે ૨૪ બોલમાં ૬૮ રન બનાવીને તે આઉટ થયો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૨૮૩.૩૩ રહ્યો હતો.
વૈભવની વિકેટ પડ્યા બાદ વરસાદના કારણે મેચ અટકાવવી પડી હતી, ત્યારે ભારતનો સ્કોર ૧૧ ઓવરમાં ૨ વિકેટે ૧૦૩ રન હતો.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
