તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો: માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી ઋષભ પંતનો રેકોર્ડ તોડી નાખ્યો
ભારતીય અંડર-19 ટીમે યજમાન દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી

ભારતીય ક્રિકેટના ભવિષ્ય ગણાતા અંડર-19 ટીમના 14 વર્ષીય સ્ટાર વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી યુથ વન-ડે (Youth ODI) મેચમાં વૈભવે પોતાની વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરતા માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારીને તમામ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. આ સાથે જ તેણે ભારતીય સ્ટાર વિકેટકીપર ઋષભ પંતનો લાંબા સમયથી અકબંધ રેકોર્ડ તોડી નાખ્યો છે.
યુથ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. અગાઉ આ રેકોર્ડ ઋષભ પંતના નામે હતો, જેણે 2016 માં નેપાળ સામે અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, વૈભવે પંત કરતા 3 બોલ ઓછા રમીને આ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
246 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને વૈભવે તોફાની શરૂઆત અપાવી હતી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન માત્ર 24 બોલમાં 68 રન ખડકી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગમાં 4 ચોગ્ગા અને જંગી 10 છગ્ગાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વૈભવ પાસે આ ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી સદી (52 બોલમાં, ઈંગ્લેન્ડ સામે) નો રેકોર્ડ પણ છે.
વરસાદના વિઘ્નને કારણે આ મેચનું પરિણામ ડકવર્થ-લુઈસ (DLS) પદ્ધતિ દ્વારા લાવવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં 245 રન બનાવ્યા હતા. ભારતને 27 ઓવરમાં 174 રનનો સુધારેલો લક્ષ્યાંક મળ્યો હતો. વૈભવની આતશી બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 23.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ શાનદાર જીત સાથે ભારતીય અંડર-19 ટીમે યજમાન દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
