તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Wednesday, 7th January 2026
સિડની ટેસ્ટમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: જેકબ બેથેલની ઐતિહાસિક સદી છતાં ઈંગ્લેન્ડ પર હારનું સંકટ, ઓસ્ટ્રેલિયા જીતની નજીક
૧૮૩ રનની ખાધ બાદ બેથેલના ૧૪૨ રને ઈંગ્લેન્ડની લાજ બચાવી; કેપ્ટન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થતા અને મધ્યમ ક્રમ લથડતા કાંગારુઓનું પલડું ભારે*

સિડની, તા.૦૭ : એશિઝ શ્રેણીની પાંચમી ટેસ્ટના ચોથા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર બે વિરોધી માનસિકતાઓનો જંગ જોવા મળ્યો. એકતરફ ૨૨ વર્ષીય યુવા જેકબ બેથેલે પોતાની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ અને ટેસ્ટ સદી (અણનમ ૧૪૨) ફટકારીને ઈતિહાસ રચ્યો, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. દિવસના અંતે ઈંગ્લેન્ડે ૮ વિકેટે ૩૦૨ રન બનાવી ૧૧૯ રનની સાધારણ લીડ મેળવી છે, પરંતુ રમતના બાકી રહેલા એક દિવસને જોતા ઓસ્ટ્રેલિયા જીત માટે મજબૂત દાવેદાર જણાય છે.
દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગ ૫૬૭ રને સમાપ્ત કરી ૧૮૩ રનની મજબૂત સરસાઈ મેળવી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી અને ઝેક ક્રોલી શૂન્ય રને આઉટ થયો. જોકે, બેન ડકેટ અને બેથેલે ૮૧ રનની આક્રમક ભાગીદારી કરી વળતો પ્રહાર કર્યો હતો. લંચ બાદ જો રૂટ (૬ રન) ના સસ્તામાં આઉટ થવાથી ઈંગ્લેન્ડ દબાણમાં આવ્યું હતું, પણ બેથેલે એક છેડો સાચવી રાખી હેરી બ્રુક (૪૨) સાથે ૧૦૦ રનથી વધુની ભાગીદારી નોંધાવી હતી.
ઈંગ્લેન્ડ જ્યારે સુખદ સ્થિતિમાં જણાતું હતું ત્યારે જ બ્યુ વેબસ્ટરે પાસા પલટી નાખ્યા. તેણે બ્રુક અને વિલ જેક્સને સળંગ આઉટ કરી ઈંગ્લેન્ડની કમર તોડી નાખી. સૌથી મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત હાલતમાં બેટિંગ કરવા આવ્યો અને માત્ર ૨ રન બનાવી આઉટ થયો. રનઆઉટ અને નબળા શોટ સિલેક્શનને કારણે ઈંગ્લેન્ડે ૨૧૯/૩ થી ૨૬૭/૭ સુધીની પડતી જોઈ. હાલ બેથેલ ૧૪૨ રને અણનમ છે, પરંતુ સામે છેડે વિકેટોના પતનને કારણે ઈંગ્લેન્ડ માટે કાંગારુઓ સામે મોટો લક્ષ્યાંક મૂકવો મુશ્કેલ જણાય છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
