<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મહિલા હોકી લીગમાં JSW સૂરમાનો શાનદાર અંદાજ: ફાઇનલિસ્ટ બંગાળ ટાઇગર્સને ૩-૨થી આપી મ્હાત, જીત સાથે અભિયાનનો અંત

રાંચીના મેદાન પર સોનમ, પેની અને મારિયાના ગોલથી 'સૂરમા' એ મચાવી ધૂમ; અંતિમ સેકન્ડ સુધી જળવાયેલા રોમાંચમાં બંગાળના ટાઇગર્સ સામે મેળવી યાદગાર જીત

રાંચી : રાંચીના મારંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રો ટર્ફ હોકી સ્ટેડિયમ ખાતે મહિલા હોકી ઇન્ડિયા લીગ ૨૦૨૫-૨૬માં એક અત્યંત રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. ભલે JSW સૂરમા હોકી ક્લબ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ તેમણે પોતાની છેલ્લી મેચમાં ફાઇનલમાં પહોંચી ચૂકેલી શ્રાચી બંગાળ ટાઇગર્સ જેવી મજબૂત ટીમને ૩-૨થી હરાવીને ગર્વ સાથે વિદાય લીધી છે. આ જીત સાથે સૂરમાએ સાબિત કર્યું કે હોકીના મેદાન પર ગમે ત્યારે પાસા પલટાઈ શકે છે.

મેચની શરૂઆતથી જ JSW સૂરમાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. ૧૦મી મિનિટમાં સોનમે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. હાફ ટાઇમ સુધી સૂરમાએ પોતાની પકડ મજબૂત રાખી હતી, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં બંગાળ ટાઇગર્સની સ્ટાર ખેલાડી અગસ્ટીના ગોર્ઝેલાનીએ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને સ્કોર ૧-૧ થી બરાબર કરી દીધો હતો. અહીંથી મેચ બંને પક્ષે જોરદાર રસાકસીમાં ફેરવાઈ ગઈ હતી.

ચોથો ક્વાર્ટર ખરા અર્થમાં રોમાંચક રહ્યો હતો. ૪૯મી મિનિટમાં પેની સ્ક્વિબે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરીને સૂરમાને ફરી લીડ અપાવી, અને થોડી જ વારમાં ૫૩મી મિનિટમાં મારિયા ગ્રેનાટ્ટોએ ત્રીજો ગોલ કરીને સ્કોર ૩-૧ કરી દીધો હતો. છેલ્લી ઘડીએ બંગાળની લાલરેમસિયામીએ ગોલ કરીને સ્કોર ૩-૨ કર્યો અને મેચમાં ઉત્તેજના વધારી દીધી હતી, પરંતુ સૂરમાના ડિફેન્સે મક્કમતા બતાવી અંતિમ વિજય પોતાના નામે કર્યો હતો. આ જીત ભલે ટુર્નામેન્ટના સમીકરણો ના બદલે, પણ સૂરમાના ખેલાડીઓના આત્મવિશ્વાસ માટે આ એક બૂસ્ટર ડોઝ સમાન છે.

(7:29 PM IST)