<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ન્યુઝીલેન્ડના 'વિકેટ મશીન' જેકબ ડફીની વર્લ્ડ કપમાં એન્ટ્રી: મિશેલ સેન્ટનરના નેતૃત્વમાં ભારત સામે ટકરાશે કીવી સેના, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

વર્ષ ૨૦૨૫માં ૮૧ વિકેટોનો શિકાર કરનાર ડફી પ્રથમવાર મેગા ઇવેન્ટમાં મચાવશે ધૂમ; અનુભવી ફિન એલન અને રચિન રવિન્દ્રના ખભા પર બેટિંગનો દરોમદાર

વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતમાં રમાનાર આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે પોતાની ૧૫ સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં સૌથી મોટું આકર્ષણ ઝડપી બોલર જેકબ ડફી છે, જેણે વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૮૧ વિકેટો ઝડપીને તરખાટ મચાવ્યો હતો. તેના આ શાનદાર પ્રદર્શનના ઈનામ તરીકે તેને કારકિર્દીના પ્રથમ વર્લ્ડ કપ રમવાની તક મળી છે. મિશેલ સેન્ટનરના કેપ્ટન પદ હેઠળ ન્યુઝીલેન્ડે અનુભવ અને યુવા પ્રતિભાનું સચોટ મિશ્રણ તૈયાર કર્યું છે.

કીવી ટીમનું પેસ આક્રમણ અત્યંત ઘાતક દેખાઈ રહ્યું છે, જેમાં લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને એડમ મિલ્ને જેવા ગતિના સોદાગરો સામેલ છે. જોકે, ટીમમાં એક રસપ્રદ સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે મેટ હેનરી અને ફર્ગ્યુસન ટુર્નામેન્ટ દરમિયાન પિતૃત્વ રજા (Paternity Leave) પર જઈ શકે છે, જેના કારણે કાયલ જેમીસનને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે રાખવામાં આવ્યો છે. બેટિંગમાં ફિન એલન અને ટિમ સીફર્ટની જોડી વિરોધી ટીમના બોલરો પર આક્રમણ કરવા તૈયાર છે, જ્યારે મધ્યમ ક્રમમાં ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર ઇનિંગને સંભાળશે.

ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વોલ્ટરે આશા વ્યક્ત કરી છે કે આ ટીમ ભારતની પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કરશે. ન્યુઝીલેન્ડને ગ્રુપ-ડીમાં અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, કેનેડા અને યુએઈ જેવી ટીમો સાથે મૂકવામાં આવ્યું છે. કીવી ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે કરશે. સૌથી મોટો મુકાબલો ૧૪ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાશે, જે ગ્રુપ સ્ટેજની દિશા નક્કી કરશે.

 

(8:07 PM IST)