News of Saturday, 10th January 2026
ગુજરાત જાયન્ટ્સનો વિજય ટંકાર: રન-મશીન ગાર્ડનર અને ડિવાઈનની તોફાની બેટિંગ સામે UP વોરિયર્સ પસ્ત, રોમાંચક મેચમાં 10 રને મેળવી જીત
નવી મુંબઈમાં ગુજરાતનો ધમાકેદાર પ્રારંભ: 207 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો; લિચફિલ્ડની લડાયક અડધી સદી છતાં UP ની ટીમ લક્ષ્યથી છેટી રહી

નવી મુંબઈ: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 ની બીજી મેચમાં રસાકસીનો જંગ જોવા મળ્યો હતો, જેમાં ગુજરાત જાયન્ટ્સે પોતાના શાનદાર પ્રદર્શનથી UP વોરિયર્સને હંફાવી દીધું છે. નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં ગુજરાત જાયન્ટ્સે 10 રને જીત મેળવીને ટૂર્નામેન્ટમાં ધમાકેદાર પ્રારંભ કર્યો છે.
ગુજરાતના બેટ્સમેનોનો રનનો વરસાદ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સની શરૂઆત વિસ્ફોટક રહી હતી. સોફી ડિવાઈને માત્ર 20 બોલમાં 30 રન ફટકારીને પાયો નાખ્યો હતો. જોકે, અસલી મનોરંજન કેપ્ટન એશ્લે ગાર્ડનરે પૂરું પાડ્યું હતું. ગાર્ડનરે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરતા 32 બોલમાં 52 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. તેને અનુષ્કા શર્માનો મજબૂત સાથ મળ્યો હતો. નિર્ધારિત 20 ઓવરના અંતે ગુજરાતે 4 વિકેટના નુકસાન પર 207 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જે WPL ના ઇતિહાસના મોટા સ્કોર પૈકીનો એક છે.
લિચફિલ્ડની મહેનત એળે ગઈ
208 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી UP વોરિયર્સની શરૂઆત નબળી રહી હતી અને 10 રનમાં જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન મેગ લેનિંગે ઇનિંગ સાંભળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મધ્યક્રમમાં ફોબી લિચફિલ્ડે વાવાઝોડાની જેમ બેટિંગ કરતા ગુજરાતના બોલરોને મુશ્કેલીમાં મૂક્યા હતા. લિચફિલ્ડે આક્રમક અડધી સદી ફટકારીને UP ને જીતની આશા અપાવી હતી, પરંતુ 16મી ઓવરમાં તે આઉટ થતા જ UP ની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
અંતિમ ઓવરોનો રોમાંચ
છેલ્લી ઓવરમાં UP ને જીતવા માટે 26 રનની જરૂર હતી, જે પહાડ જેવું લક્ષ્ય સાબિત થયું. ગુજરાતના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને UP ને 197 રન પર રોકી દીધું હતું. ગુજરાત તરફથી સ્પીનરોએ મધ્ય ઓવરોમાં મહત્વની વિકેટો ઝડપીને મેચ પર પકડ મજબૂત કરી હતી. આ જીત સાથે એશ્લે ગાર્ડનરની સેનાએ સાબિત કરી દીધું છે કે આ સીઝનમાં તેઓ ખિતાબના પ્રબળ દાવેદાર છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
