News of Saturday, 10th January 2026
ક્રિકેટના મેદાનમાં ‘કોલ્ડ વોર’: ભારત સામે રમવા બાબતે બાંગ્લાદેશી કેપ્ટન શાંતોએ મૌન તોડ્યું, મુસ્તફિઝુર વિવાદ અને સુરક્ષાના નામે BCB ના પેંતરા સામે વ્યક્ત કરી લાચારી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ભારત મોકલવાનો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો ઈનકાર; પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ‘ભારતીય એજન્ટ’ કહેતા કેપ્ટન દુઃખી, કહ્યું- “આ બધું અમારા નિયંત્રણ બહાર છે”

ઢાકા : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો અત્યારે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે નહીં, તે અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ મોટું નિવેદન આપ્યું છે. શાંતોએ સ્વીકાર્યું છે કે મેદાનની બહાર ચાલી રહેલી આ ગંદી રાજનીતિની અસર ખેલાડીઓના પ્રદર્શન પર પડી રહી છે.
મુસ્તફિઝુર વિવાદે આગમાં ઘી હોમ્યું
તાજેતરમાં IPL ફ્રેન્ચાઈઝી KKR દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને BCCI ના નિર્દેશ પર ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષા અને સરકારી સલાહનું કારણ ધરીને પોતાની ટીમને ભારત મોકલવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં, BCB એ આઈસીસી (ICC) ને વિનંતી કરી છે કે બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચો ભારતની બહાર કોઈ અન્ય દેશમાં ખસેડવામાં આવે.
ખેલાડીઓની માનસિક સ્થિતિ પર અસર
કેપ્ટન શાંતોએ મીડિયા સાથેની વાતચીતમાં લાચારી વ્યક્ત કરતા કહ્યું કે, "વર્લ્ડ કપમાં અમે ક્યારેય સતત સારું ક્રિકેટ રમ્યા નથી. ખેલાડીઓ બહારના વિક્ષેપોને બાજુ પર રાખીને પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ બધું અમારા નિયંત્રણની બહાર છે." શાંતોએ ઈશારામાં જ સમજાવ્યું કે બોર્ડ અને સરકાર વચ્ચેના વિવાદને કારણે ટીમનું મનોબળ તૂટી રહ્યું છે.
તમીમ ઈકબાલનું અપમાન અસહ્ય
આ વિવાદમાં ત્યારે વરવું વળાંક આવ્યો જ્યારે BCB ના એક ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશના સૌથી સફળ પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ‘ભારતીય એજન્ટ’ તરીકે લેબલ કર્યા. આ અંગે શાંતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "આ અત્યંત દુઃખદ અને અપમાનજનક છે. તમીમ ભાઈએ આ દેશ માટે જે કર્યું છે તે પછી તેમને સન્માન મળવું જોઈએ. આવી ટિપ્પણીઓ રમત અને દેશ માટે હાનિકારક છે."
ICC ની નજર ભારત પર
બીજી તરફ, ICC ના ચેરમેન જય શાહ અને અન્ય અધિકારીઓ પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો બાંગ્લાદેશ પોતાની જીદ પર અડગ રહેશે, તો વર્લ્ડ કપના શેડ્યૂલમાં મોટા ફેરફારો થઈ શકે છે અથવા બાંગ્લાદેશ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. ક્રિકેટ રસિયાઓ હવે એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે શું ખેલ ભાવનાની જીત થશે કે રાજકીય તણાવની?
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
