<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

પ્રિટોરિયા કેપિટલ્સનું પ્રચંડ પરાક્રમ: MI કેપટાઉનને ધૂળ ચટાડી બોનસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું 'કિંગ'

શેરફેન રધરફોર્ડ અને બ્રેવિસની આક્રમક બેટિંગ સામે MI ના સ્ટાર્સ પરાજિત, કેપટાઉનની પ્લેઓફની આશા પર ફરી વળ્યું પાણી

પ્રિટોરિયા | તા.13 : SA20 લીગમાં પ્રિટોરિયા કેપિટલ્સે પોતાનો વિજયી રથ આગળ ધપાવતા MI કેપટાઉન સામે 53 રનથી ધમાકેદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે પ્રિટોરિયાની ટીમ માત્ર વિજેતા જ નથી બની, પરંતુ બોનસ પોઈન્ટ હાંસલ કરીને પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી MI કેપટાઉન માટે આ હાર આઘાતજનક સાબિત થઈ છે, કારણ કે હવે તેમના માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.
રધરફોર્ડ અને બ્રેવિસનું ડેથ-ઓવરમાં 'તોફાન'
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પ્રિટોરિયા કેપિટલ્સની શરૂઆત ધીમી રહી હતી. પાવરપ્લેમાં ટીમ માત્ર 41 રન જ બનાવી શકી હતી અને ટોચના બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. એક સમયે સ્કોર ઓછો રહેશે તેમ લાગતું હતું, પરંતુ શેરફેન રધરફોર્ડ અને ડેવાલ્ડ બ્રેવિસે મેદાનમાં ઉતરતાની સાથે જ બાજી પલટી નાખી હતી. રધરફોર્ડે માત્ર 24 બોલમાં અડધી સદી ફટકારીને MI ના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. અંતિમ 5 ઓવરમાં આ જોડીએ 64 રન ઝૂડી કાઢી ટીમને 185 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ટ્રેન્ટ બોલ્ટની એક જ ઓવરમાં 20 રન ફટકારી રધરફોર્ડે પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો.
MI કેપટાઉનનો મિડલ ઓર્ડર પત્તાના મહેલની જેમ વિખેરાયો
186 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી MI કેપટાઉનની શરૂઆત ખરાબ રહી હતી. રાસી વાન ડેર ડુસેન અને રાયન રિકેલ્ટન જેવા દિગ્ગજો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. નિકોલસ પૂરને થોડા આક્રમક શોટ્સ ફટકારી આશા જગાડી હતી, પરંતુ તે પણ લાંબો સમય ટકી શક્યો નહીં. જોતજોતામાં ટીમ 46/2 થી સીધી 55/6 પર સરકી ગઈ હતી. ગિડિયોન પીટર્સે ઘાતક બોલિંગ કરતા એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી MI ના મધ્યમ ક્રમની કમર તોડી નાખી હતી.
રીઝા હેન્ડ્રિક્સની એકલપંડે લડત પણ એળે ગઈ
એક તરફ વિકેટો પડતી રહી, તો બીજી તરફ ઓપનર રીઝા હેન્ડ્રિક્સે છેલ્લી ઓવર સુધી લડત આપી હતી. હેન્ડ્રિક્સે 50 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા, પરંતુ સામે છેડેથી કોઈ સાથ ન મળતા તે ટીમને જીતાડી શક્યો નહીં. અંતે MI કેપટાઉન નિર્ધારિત 20 ઓવરમાં 132 રન જ બનાવી શક્યું હતું. પ્રિટોરિયા તરફથી ગિડિયોન પીટર્સે 32 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ મોટી હારને કારણે MI કેપટાઉન હવે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે ફેંકાઈ ગયું છે.

(4:55 PM IST)