<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

નબળી બોલીંગ, કેચ છુટયા, નબળી ફિલ્‍ડીંગના લીધે હાર્યા

૨૦૨૭ના વર્લ્‍ડકપ અગાઉ મિડલ ઓવર બોલિંગ અને ફિલ્‍ડીંગ પર ગંભીરતાથી કામ કરવું પડશેઃ ગિલ : આપણા બોલરોએ શરૂઆતમાં આક્રમકતા ન બતાવી, સ્‍પિનરો મધ્‍યમક્રમના બેટરો ઉપર દબાણ લાવવામાં નિષ્‍ફળ રહ્યા, કેચ છુટે એટલે વિરોધી ટીમ મેચમાં વાપસી કરી જ લ્‍યે છે

રાજકોટઃ ભારત પાસે ન્‍યૂઝીલેન્‍ડ સામે વનડે શ્રેણી (ODI Series) જીતવાની સુવર્ણ તક હતી, પરંતુ કિવી બેટ્‍સમેનોએ ભારતીય બોલરોની ધોલાઈ કરીને જીત છીનવી લીધી હતી. કેએલ રાહુલની સદી અને ટીમનો મોટો સ્‍કોર હોવા છતાં, ભારતને ૭ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્‍યો. આ હાર સાથે શ્રેણી ૧-૧ થી બરાબર થઈ ગઈ છે. મેચ પૂરી થયા બાદ નિરાશ થયેલા કેપ્‍ટન શુભમન ગિલે (Shubman Gill) બહાના કાઢવાને બદલે સીધા શબ્‍દોમાં ટીમને નડતી ખામીઓ અને ગુનેગારો તરફ આંગળી ચીંધી હતી.

શુભમન ગિલે સ્‍વીકાર્યું હતું કે ટીમ ઈન્‍ડિયાની હારનું સૌથી મોટું કારણ મધ્‍ય ઓવરમાં વિકેટ ન મળવી હતું. ભારતીય સ્‍પિનરો કિવી બેટ્‍સમેનો પર દબાણ લાવવામાં નિષ્‍ફળ રહ્યા હતા. ગિલે કહ્યું, જ્‍યારે તમે વચ્‍ચેની ઓવરોમાં વિકેટ નથી લઈ શકતા, ત્‍યારે રન રોકવા અશક્‍ય બની જાય છે. ભલે અમે બોર્ડ પર ૧૫-૨૦ રન વધારે બનાવ્‍યા હોત, તો પણ મિડલ ઓવર્સમાં વિકેટ લેવી ફરજિયાત હતી. અમે ૫ ફિલ્‍ડરો સર્કલની અંદર રાખ્‍યા હતા, છતાં અમે ભાગીદારી તોડી શક્‍યા નહીં, જે અમને ભારે પડ્‍યું.

કેપ્‍ટને ડેરિલ મિશેલ અને વિલ યંગની ભાગીદારીનો ઉલ્‍લેખ કરતા કહ્યું કે આવી પીચો પર એકવાર બેટ્‍સમેન સેટ  થઈ જાય પછી તેને રોકવો મુશ્‍કેલ છે. જ્‍યારે ભાગીદારી મજબૂત બને છે, ત્‍યારે સેટ બેટ્‍સમેન માટે મોટા શોટ રમવા આસાન થઈ જાય છે. નવા આવનાર બેટ્‍સમેન માટે શરૂઆતથી જ ફટકાબાજી કરવી અઘરી હોય છે, પરંતુ અમે સેટ બેટ્‍સમેનને આઉટ કરવામાં નિષ્‍ફળ રહ્યા, તેમ ગિલે ઉમેર્યું હતું.

હારનું ત્રીજું અને મહત્‍વનું કારણ ખરાબ ફિલ્‍ડિંગ રહ્યું. ગિલે સ્‍પષ્ટ કહ્યું કે બોલરોની સાથે ફિલ્‍ડરોએ પણ નિરાશ કર્યા છે. પાછલી મેચની જેમ આ મેચમાં પણ અમે કેટલાક મહત્‍વપૂર્ણ કેચ છોડ્‍યા . જો તમે આવા સ્‍તરે કેચ છોડો તો વિરોધી ટીમ મેચમાં વાપસી કરી જ લે છે. આ ઉપરાંત, ગિલે શરૂઆતની ૧૦-૧૫ ઓવરમાં બોલરો દ્વારા વધુ આક્રમકતા ન દાખવવા બદલ પણ નારાજગી વ્‍યક્‍ત કરી હતી.

અંતમાં, કેપ્‍ટન ગિલે  વર્લ્‍ડકપ ૨૦૨૭ની તૈયારીઓનો ઉલ્‍લેખ કરતા કહ્યું કે ટીમે હવે મિડલ ઓવર બોલિગ અને ફિલ્‍ડિંગ પર ગંભીરતાથી કામ કરવું પડશે, નહીંતર મોટા ટૂર્નામેન્‍ટમાં મુશ્‍કેલી પડી શકે છે.

(10:51 AM IST)