તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd January 2026
T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશનો બહિષ્કાર: સુરક્ષાના નામે ભારત સામે મોરચો માંડ્યો
BCB અને આસિફ નઝરુલે ICCનું અલ્ટીમેટમ ફગાવ્યું: 'ખેલાડીઓની સલામતી સાથે કોઈ સમાધાન નહીં' કહીને ભારતમાં રમવાની પાડી ના: હવે સ્કોટલેન્ડ લેશે સ્થાન?

ઢાકા : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની વચગાળાની સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે એક સંયુક્ત બેઠક બાદ આકરો નિર્ણય લીધો છે. ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) એ બાંગ્લાદેશને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, તેમ છતાં બાંગ્લાદેશે તેના વલણમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. રમતગમત સલાહકારે જણાવ્યું હતું કે, "અમે કોઈના દબાણ સામે ઝૂકીશું નહીં. ભારત અત્યારે અમારા ખેલાડીઓ માટે સુરક્ષિત નથી, અને ICC એ આ બાબતે ન્યાય કર્યો નથી." બાંગ્લાદેશની આ માંગ હતી કે તેમની મેચો ભારતને બદલે શ્રીલંકા જેવા તટસ્થ સ્થળે યોજવામાં આવે, પરંતુ ICC એ વોટિંગ દ્વારા આ માંગને ફગાવી દીધી હતી, જેમાં 16 માંથી 14 દેશોએ ભારતની તરફેણમાં મતદાન કર્યું હતું.
આ વિવાદના મૂળમાં માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ તાજેતરના રાજકીય ઘટનાક્રમો પણ છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થયેલા અત્યાચાર અને ત્યારબાદ ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં આવેલી કડવાશની અસર મેદાન પર દેખાઈ રહી છે. આ તણાવ ત્યારે વધુ વણસ્યો જ્યારે IPL 2026 માંથી કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનનો 9.20 કરોડનો કરાર રદ કર્યો. આ ઘટના બાદ બાંગ્લાદેશે પોતાના દેશમાં IPL ના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. બાંગ્લાદેશનું કહેવું છે કે ભારતમાં તેમના ખેલાડીઓ વિરુદ્ધ નકારાત્મક માહોલ છે, જેના કારણે તેઓ જોખમ ઉઠાવવા માંગતા નથી.
બાંગ્લાદેશના આ આકસ્મિક બહિષ્કારને કારણે હવે T20 વર્લ્ડ કપનું સમયપત્રક ખોરવાઈ શકે તેમ છે. ગ્રુપ C માં બાંગ્લાદેશની ત્રણ મહત્વની મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની હતી, જેમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમો સામે ટક્કર હતી. ICC એ હવે બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાના સંકેતો આપ્યા છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે 200 મિલિયનની વસ્તી ધરાવતા દેશનો વર્લ્ડ કપમાંથી બહાર થવું એ ICC માટે આર્થિક રીતે પણ મોટું નુકસાન સાબિત થઈ શકે છે, પરંતુ સલામતીના નામે થતી આ રાજનીતિએ રમતગમતની ભાવના પર સવાલો ઉભા કર્યા છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
