<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

સરફરાઝનું સુનામી: રણજી ટ્રોફીમાં હૈદરાબાદના બોલરોને રીતસરના 'ધોઈ નાખ્યા', ફટકારી કારકિર્દીની 5મી બેવડી સદી

માત્ર 206 બોલમાં ડબલ સેન્ચુરી; 19 ચોગ્ગા અને 9 છગ્ગાની રમઝટ બોલાવી સરફરાઝે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સના દરવાજા ખખડાવ્યા

હૈદરાબાદ: રણજી ટ્રોફી 2025-26માં મુંબઈના 'રન મશીન' સરફરાઝ ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને કેમ ઘરેલુ ક્રિકેટનો ડોન બ્રેડમેન માનવામાં આવે છે. હૈદરાબાદ સામે રમાઈ રહેલી મેચમાં જ્યારે મુંબઈની ટીમ 82 રનમાં 3 વિકેટ ગુમાવી સંકટમાં હતી, ત્યારે સરફરાઝે મેદાનમાં ઉતરીને રનનું એવું તોફાન સર્જ્યું કે હૈદરાબાદના બોલરો લાચાર દેખાયા હતા.
 
227 રન, 9 છગ્ગા: હૈદરાબાદમાં 'સરફરાઝ શો'
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સરફરાઝ ખાને અત્યંત આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે માત્ર 206 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આઉટ થતા પહેલા તેણે 219 બોલમાં 227 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 19 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. સરફરાઝના આ પરાક્રમને કારણે મુંબઈએ સ્કોરબોર્ડ પર 560 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે.
મોહમ્મદ સિરાજ પણ ફિક્કા પડ્યા
હૈદરાબાદની ટીમનું નેતૃત્વ કરી રહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માટે આ મેચ ભૂલવા જેવી રહી હતી. સરફરાઝની તોફાની બેટિંગ સામે સિરાજની લાઇન-લેન્થ પણ બગડી ગઈ હતી અને તે સમગ્ર ઇનિંગમાં માત્ર 1 વિકેટ જ ઝડપી શક્યો હતો.
રેકોર્ડ્સનો વરસાદ: 5,000 રન પૂરા
આ ઇનિંગ સાથે સરફરાઝ ખાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5,000 રનનો આંકડો પણ પાર કરી લીધો છે. 28 વર્ષીય આ બેટ્સમેને અત્યાર સુધી 61 મેચોમાં 64થી વધુની સરેરાશથી 5,090 રન બનાવ્યા છે, જેમાં 17 સદી અને 5 બેવડી સદીનો સમાવેશ થાય છે. આ આંકડા જ તેની કાબેલિયતની સાક્ષી પૂરે છે.
 
શું ટીમ ઈન્ડિયામાં થશે વાપસી?
સરફરાઝ ખાને નવેમ્બર 2024માં ભારત માટે છેલ્લી ટેસ્ટ રમી હતી. ત્યારબાદ તેને ટીમમાં તક મળી નથી. પરંતુ વિજય હજારે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને હવે રણજી ટ્રોફીમાં સતત રનનો પહાડ ચણીને તેણે પસંદગીકારોને વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો હવે તેને ફરી બ્લુ જર્સીમાં જોવાની માંગ કરી રહ્યા છે.

(6:10 PM IST)