<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

બાંગ્લાદેશી ખેલાડીઓનું દિલ તોડતું બોર્ડ: લિટન દાસ અને શાંતો ભારતમાં વર્લ્ડ કપ રમવા હતા તૈયાર, પણ સરકારે મારી 'નો એન્ટ્રી'

ખેલાડીઓની સંમતિ લીધા વગર જ BCBએ પ્રવાસ રદ કરવાની કરી જાહેરાત; કેપ્ટન લિટન દાસના પક્ષને ફગાવી સુરક્ષાનું બહાનું ધર્યું

ઢાકા: વર્ષ ૨૦૨૬માં ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટો વિસ્ફોટ થયો છે. બાંગ્લાદેશના સ્ટાર ખેલાડીઓ અને કેપ્ટન લિટન દાસ ભારત આવીને વર્લ્ડ કપ રમવા માટે આતુર હતા, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ખેલાડીઓની મરજી વિરુદ્ધ જઈને ભારતનો પ્રવાસ ન કરવાનો આદેશ આપી દીધો છે. આ નિર્ણયને કારણે બાંગ્લાદેશી ટીમમાં ભારે અસંતોષ અને નિરાશા જોવા મળી રહી છે.

 

ખેલાડીઓને પૂછ્યું નહીં, સીધો આદેશ આપ્યો

રિપોર્ટ મુજબ, BCB અને સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ સાથેની બેઠકમાં ખેલાડીઓને માત્ર તેમનો નિર્ણય 'સંભળાવવામાં' આવ્યો હતો. એક વરિષ્ઠ ખેલાડીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "અમારી સંમતિ પૂછવામાં જ નહોતી આવી. બોર્ડ પહેલાથી જ મન બનાવીને આવ્યું હતું કે આપણે ભારત જવાનું નથી. અમને માત્ર જાણ કરવામાં આવી હતી કે આ સરકારનો સીધો આદેશ છે અને અમે તેને બદલી શકતા નથી."

કેપ્ટનોનો પક્ષ ફગાવાયો

T20 કેપ્ટન લિટન દાસ અને ટેસ્ટ કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ સ્પષ્ટપણે ભારત પ્રવાસની તરફેણ કરી હતી. તેમણે સુરક્ષા અંગે બોર્ડને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ BCBએ 'સુરક્ષા' અને 'અગાઉની ધમકીઓ'નું બહાનું આગળ ધરીને તેમની વાતને સાવ બાજુ પર મૂકી દીધી હતી. ખેલાડીઓને લાગે છે કે ભારત અને બાંગ્લાદેશની વર્તમાન સરકારો વચ્ચેના તણાવનો ભોગ ક્રિકેટને બનાવવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ આઉટ?

BCB ના આ કઠોર વલણને કારણે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) પણ હવે કડક પગલાં લેવાની તૈયારીમાં છે. જો બાંગ્લાદેશ સત્તાવાર રીતે ભારત આવવાની ના પાડશે, તો ICC તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવી શકે છે.

ક્રિકેટમાં રાજનીતિ: બાંગ્લાદેશી ચાહકો માટે આ મોટા આંચકા સમાન સમાચાર છે. ખેલાડીઓ મેદાન પર લડવા માંગે છે, પરંતુ બોર્ડના રાજકીય ગણિતને કારણે તેમની કારકિર્દી અને દેશના સન્માન પર સવાલિયા નિશાન ઊભું થયું છે.

(6:50 PM IST)