તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 25th January 2026
T-20 વર્લ્ડ કપ ક્રિકેટ મેચ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત : બાબર આઝમનો સમાવેશ : રિઝવાન ટીમમાંથી બહાર : સલમાન અલી આગાને કેપ્ટન બનાવ્યો
પૂર્વ કેપ્ટન બાબર આઝમ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું : તેમની સાથે ફહીમ અશરફ અને મોહમ્મદ નવાઝ જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં પરત ફર્યા

નવી દિલ્હી : T20 વર્લ્ડ કપ 2026 નો જંગ હવે નજીક છે, જેનો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે. આ મહાકુંભ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 25 જાન્યુઆરીએ પોતાની 15 સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લેવાયેલા આ નિર્ણયોએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.
મોટા ફેરફારો અને નવી કેપ્ટન્સી
આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાની પસંદગીકારોએ મોટો દાવ ખેલતા સલમાન અલી આગાને કેપ્ટન બનાવ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર હારિસ રઉફને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. બીજી તરફ, પૂર્વ કેપ્ટન બાબર આઝમ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમની સાથે ફહીમ અશરફ અને મોહમ્મદ નવાઝ જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં પરત ફર્યા છે.
6 યુવા ખેલાડીઓનું વર્લ્ડ કપ ડેબ્યૂ
PCB એ આ વખતે યુવા ખેલાડીઓને મોટી તક આપી છે. વર્લ્ડ કપ સ્ક્વોડમાં 6 ખેલાડીઓ એવા છે જેઓ કારકિર્દીમાં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમશે. જેમાં કેપ્ટન સલમાન અલી આગા, ખ્વાજા મોહમ્મદ નફે, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાહિબઝાદા ફરહાન અને ઉસ્માન તારિકનો સમાવેશ થાય છે. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરેલું શ્રેણી રમીને પોતાની તૈયારીઓને આખરી ઓપ આપશે.
ભારત-પાક મહામુકાબલો અને કાર્યક્રમ
પાકિસ્તાન તેની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે રમીને અભિયાનની શરૂઆત કરશે. પરંતુ ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગ્રુપ A માં રહેલી પાકિસ્તાની ટીમ 10 ફેબ્રુઆરીએ USA અને 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ટકરાશે.
વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાનની ટીમ: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, મોહમ્મદ ખ્વાજા (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર) અને ઉસ્માન તારિક.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
