<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ગુવાહાટીમાં અભિષેકનું 'તોફાન': ૧૦ ઓવરમાં ન્યૂઝીલેન્ડનો સફાયો

ટીમ ઈન્ડિયાએ રેકોર્ડબ્રેક જીત સાથે પાકિસ્તાનની બરાબરી કરી: માત્ર ૧૪ બોલમાં અભિષેકની ફિફ્ટી, ૬૦ બોલ બાકી રાખી ૧૫૪ રનનો ટાર્ગેટ ચેઝ કરીને દુનિયાને ચોંકાવી, સતત ૧૧મી સિરીઝ જીતી રચ્યો ઇતિહાસ

ગુવાહાટી: ગુવાહાટીના મેદાન પર રવિવારે રમાયેલી T20I મેચમાં ભારતીય ટીમે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દેતું પ્રદર્શન કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામેના ૧૫૪ રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ કોઈ પણ દયા રાખ્યા વગર માત્ર ૧૦ ઓવરમાં જ વટાવી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં ૩-૦થી અજેય લીડ મેળવીને સતત ૧૧મી T20I સિરીઝ જીતવાનો પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારતે ૧૫૦થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે પૂરા ૬૦ બોલ બાકી રાખીને જે જીત મેળવી છે, તે ફૂલ મેમ્બર ટીમોના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અને લાંબી જીત બની ગઈ છે.

મેચનો અસલી હીરો યુવા ઓપનર અભિષેક શર્મા રહ્યો હતો, જેણે કિવિ બોલરોને મેદાનના ચારેય ખૂણે ફટકાર્યા હતા. અભિષેકે માત્ર ૧૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જે યુવરાજ સિંહના ૧૨ બોલના રેકોર્ડ બાદ કોઈ પણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી ફિફ્ટી છે. તેણે ૨૦ બોલમાં અણનમ ૬૮ રન બનાવીને મેચને એકતરફી બનાવી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે, અભિષેકે ૨૫ કે તેથી ઓછા બોલમાં ૯મી વખત ફિફ્ટી ફટકારીને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

પાવરપ્લે દરમિયાન તો ભારતીય બેટ્સમેનોએ રનનો એવો વરસાદ કર્યો કે ન્યૂઝીલેન્ડની ટીમ લાચાર દેખાતી હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર ૬ ઓવરમાં ૨ વિકેટે ૯૪ રન ખડકી દીધા હતા, જે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાવરપ્લેમાં કોઈ પણ ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. એટલું જ નહીં, ભારતે માત્ર ૩.૧ ઓવરમાં ટીમની અડધી સદી (૫૦ રન) પૂરી કરી હતી, જે આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટમાં સૌથી ઝડપી ટીમ ફિફ્ટીનો નવો વર્લ્ડ રેકોર્ડ છે. ગુવાહાટીનું સ્ટેડિયમ ચોગ્ગા અને છગ્ગાના ગુંજારવથી ગાજી ઉઠ્યું હતું, અને કિવિ ફિલ્ડરો માત્ર બોલને સીમારેખા પાર જતો જોતા રહી ગયા હતા.

આ જીત સાથે ભારતે ઘરઆંગણે સતત ૧૦મી T20I શ્રેણી જીતીને ઓસ્ટ્રેલિયાના ૮ શ્રેણીના જૂના રેકોર્ડને ક્યાંય પાછળ છોડી દીધો છે. ૨૦૨૪થી શરૂ થયેલો ભારતનો આ વિજય રથ અત્યારે ૧૧મી શ્રેણી સુધી પહોંચ્યો છે અને પાકિસ્તાનના ૨૦૧૬-૧૮ના રેકોર્ડની હરોળમાં આવી ગયો છે. જે રીતે ભારતીય યુવા બ્રિગેડ રમી રહી છે, તે જોતા આગામી મેચોમાં હજુ વધુ રેકોર્ડ તૂટે તો નવાઈ નહીં. ગુવાહાટીની આ જીત નવયુગના આક્રમક ક્રિકેટની ઓળખ બની ગઈ છે, જેમાં ૧૫ રનની રનરેટથી ટાર્ગેટ ચેઝ કરવો હવે ભારત માટે રમત વાત બની ગઈ છે.

(3:35 PM IST)