હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યશસ્વી જયસ્વાલ પર એક્શન: સિલેક્ટર્સના ફોન ન ઉપાડવા પડ્યા ભારે
રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમમાંથી યશસ્વીની અચાનક બાદબાકી: 'નોન-રિસ્પોન્સિવ' વલણને કારણે સિલેક્ટર્સે લીધો કડક નિર્ણય, પેટમાં દુખાવાનું બહાનું કે પછી મનસ્વી વલણ? ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનરની ગેરહાજરીએ ક્રિકેટ જગતમાં જગાવી ચર્ચા

મુંબઈ:ભારતીય ટેસ્ટ ટીમના સ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલ અત્યારે રણજી ટ્રોફીના મેદાનને બદલે વિવાદોના મેદાનમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. દિલ્હી સામેની રણજી ટ્રોફીની અંતિમ લીગ મેચ માટે મુંબઈની ટીમ જાહેર કરવામાં આવી છે, પરંતુ આ યાદીમાંથી યશસ્વીનું નામ ગાયબ જોઈને ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે તેને ઈજા થઈ હશે, પરંતુ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના વરિષ્ઠ સભ્યોએ કરેલા ઘટસ્ફોટે નવો વળાંક આપ્યો છે. સિલેક્ટર્સનો આરોપ છે કે જયસ્વાલે તેમની સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું, જેના કારણે શિસ્તભંગના પગલા તરીકે તેને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.
MCAના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિલેક્શન કમિટીએ મેચ પહેલા યશસ્વીની ઉપલબ્ધતા જાણવા માટે વારંવાર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ યુવા ખેલાડીએ કોઈ જવાબ આપ્યો નહોતો. "તે પોતાની મરજી મુજબ મેચો પસંદ કરી રહ્યો છે અને સિલેક્ટર્સના ફોનનો જવાબ નથી આપતો," તેવા ગંભીર આક્ષેપો સાથે તેને 'નોન-રિસ્પોન્સિવ' જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે યશસ્વીએ આવું વલણ અપનાવ્યું હોય, અગાઉની મેચ વખતે પણ તેણે આવું જ કર્યું હોવાનું સામે આવ્યું છે. ટીમ ઇન્ડિયાના લેવલ પર પહોંચેલા ખેલાડીનું આવું વર્તન ઘરેલું ક્રિકેટના ગૌરવ સામે સવાલ ઉભા કરે છે.
બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યશસ્વીને પેટમાં ગંભીર દુખાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની એન્ડોસ્કોપી પણ થઈ હતી. જોકે, પસંદગીકારોનું કહેવું છે કે જો તે બીમાર હતો, તો તેણે ઓફિશિયલ ચેનલ દ્વારા જાણ કરવી જોઈતી હતી. વાતચીતના અભાવે (Communication Gap) એક મોટી ગેરસમજ ઉભી કરી છે. પસંદગીકારો તેને ટીમમાં લેવા માટે આતુર હતા, કારણ કે વર્તમાન સીઝનની એકમાત્ર મેચમાં તેણે ૧૫૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ શિસ્તના નામે અંતે તેને બહાર બેસાડવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું યશસ્વી જયસ્વાલ રણજી ટ્રોફીના નોકઆઉટ સ્ટેજ માટે ટીમમાં પરત ફરશે? મુંબઈની ટીમ અત્યારે મજબૂત સ્થિતિમાં છે, પરંતુ યશસ્વી જેવો ઇન-ફોર્મ બેટ્સમેન ટીમ માટે એસેટ સાબિત થઈ શકે છે. જોકે, MCA હવે ખેલાડીઓના 'એટીટ્યુડ' સામે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. દિલ્હી સામેની ૨૯ જાન્યુઆરીની મેચમાં તેની ગેરહાજરી મુંબઈને કેટલી ભારે પડશે તે તો સમય જ કહેશે, પરંતુ આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે ગમે તેટલો મોટો સ્ટાર હોય, ક્રિકેટમાં શિસ્ત અને પ્રોટોકોલ સર્વોપરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
