<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ક્રિકેટના મેદાનમાં 'હાઇવોલ્ટેજ ડ્રામા': ભારત સામે પાકિસ્તાનનો બહિષ્કારનો પેંતરો : શું વર્લ્ડ કપમાં ફરી જામશે જંગ?

બાંગ્લાદેશના આઉટ થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અજીબોગરીબ નિર્ણય: આખી ટુર્નામેન્ટ રમશે પણ કટ્ટર હરીફ ભારત સામે મેદાનમાં ઉતારવા સામે 'નો એન્ટ્રી'નો સુર : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખળભળાટ

કોલંબો: T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા જ મેદાનની બહાર ‘ખરાખરીનો જંગ’ શરૂ થઈ ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની જીદ અને ત્યારબાદ ICC દ્વારા લેવાયેલા કડક નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હાલ લાલચોળ છે. બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ થતા PCB એ પહેલા તો આખા વર્લ્ડ કપના બહિષ્કારની બૂમો પાડી હતી, પરંતુ ICC ના કડક તેવર અને આર્થિક દંડના ડરથી પાકિસ્તાને નવો વળાંક લીધો છે. હવે પાકિસ્તાન માત્ર ભારત સામેની હાઈ-પ્રોફાઈલ મેચનો બહિષ્કાર કરવાની ‘ધમકી’ આપીને વિશ્વ ક્રિકેટમાં પોતાનો વિરોધ નોંધાવવા મથામણ કરી રહ્યું છે.

આ ડ્રામા પાછળનું મુખ્ય કારણ મોહસીન નકવીનું નિવેદન છે, જેમાં તેમણે ICC અને BCCI ના સંબંધો પર આડકતરા પ્રહારો કર્યા છે. પાકિસ્તાનનું માનવું છે કે બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને આમાં ભારતીય બોર્ડનો પ્રભાવ કામ કરી રહ્યો છે. જોકે, નવાઈની વાત એ છે કે એક બાજુ પાકિસ્તાન વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને બીજી બાજુ ચૂપચાપ પોતાની મજબૂત ટીમની જાહેરાત પણ કરી દીધી છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત-પાક વચ્ચે મહામુકાબલો ખેલાવાનો છે, પરંતુ પાકિસ્તાનના આ અકળ વલણને કારણે ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે કે શું ખરેખર પાકિસ્તાન આર્થિક નુકસાન અને પોઈન્ટ્સ ગુમાવવાનું જોખમ ઉઠાવશે?

હાલમાં પાકિસ્તાની ટીમ અને બોર્ડના સભ્યો વડાપ્રધાન શાહબાઝ શરીફના દેશ પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અંતિમ મહોર સરકાર દ્વારા જ મારવામાં આવશે. જો પાકિસ્તાન ભારત સામે નથી રમતું, તો ICC ને બ્રોડકાસ્ટિંગ અને ટિકિટના વેચાણમાં કરોડોનું નુકસાન થઈ શકે છે, જે PCB નો મુખ્ય ટાર્ગેટ હોવાનું જણાય છે. પરંતુ, જો ICC એ કડક વલણ અપનાવ્યું તો પાકિસ્તાન પર પ્રતિબંધનો ખતરો પણ મંડરાઈ શકે છે.

(5:56 PM IST)