<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

કેરેબિયન 'પાવર'નો ધડાકો: T20 વર્લ્ડ કપ 2026 માટે વેસ્ટ ઈન્ડિઝની ખતરનાક ટીમ જાહેર : શાઈ હોપ સંભાળશે સુકાન!

ભારત અને શ્રીલંકાની ધરતી પર ફરી 'ચેમ્પિયન' બનવા તૈયાર: હેટમાયર અને હોલ્ડરની વાપસીથી ટીમ બની મજબૂત : ફેબ્રુઆરીમાં સ્કોટલેન્ડ સામેના મુકાબલાથી મચાવશે ધમાલ

બ્રિજટાઉન : T20 ક્રિકેટના અસલી બાદશાહ ગણાતા વેસ્ટ ઈન્ડિઝે ભારત અને શ્રીલંકાના યજમાનપદે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની 15 સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરીને હરીફ ટીમોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ વખતે ટીમની કમાન ભરોસાપાત્ર બેટ્સમેન શાઈ હોપને સોંપવામાં આવી છે. કેરેબિયન પસંદગીકારોએ અનુભવ અને યુવા જોશના મિશ્રણ પર ભાર મૂક્યો છે, જેમાં શિમરોન હેટમાયર અને જેસન હોલ્ડર જેવા મેચ-વિનર ખેલાડીઓની હાજરી ટીમના મનોબળને સાતમા આસમાને પહોંચાડી રહી છે. આ ટીમ પોતાની વિસ્ફોટક બેટિંગ અને ધારદાર બોલિંગથી ફરી એકવાર વિશ્વ ક્રિકેટ પર રાજ કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે.

વેસ્ટ ઈન્ડિઝને ગ્રુપ C માં રાખવામાં આવ્યું છે અને તેમનું શિડ્યુલ પણ ઘણું રોમાંચક છે. 7 ફેબ્રુઆરીએ સ્કોટલેન્ડ સામેના મુકાબલાથી તેઓ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ જેવી જાયન્ટ ટીમ સામે તેમની અસલી કસોટી થશે. આ ટુર્નામેન્ટમાં શેરફેન રધરફોર્ડ અને શેમર જોસેફ જેવા ખેલાડીઓ 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થઈ શકે છે. ખાસ કરીને રધરફોર્ડનું હાલનું ફોર્મ જોતા તે મધ્યમ ક્રમમાં રનનો ખડકલો કરવા તૈયાર છે. આ ઉપરાંત, ગુડાકેશ મોતી અને અકીલ હુસૈનની સ્પિન જોડી એશિયાની સ્પિન-ફ્રેન્ડલી પીચો પર વિરોધી બેટ્સમેનોને નચાવવા સજ્જ છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો ભારતમાં રમાયેલો 2016નો વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ માટે ખૂબ જ યાદગાર રહ્યો હતો, જ્યાં તેમણે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. યોગાનુયોગ, 19 ફેબ્રુઆરીએ તેઓ ફરી એ જ મેદાન પર ઈટાલી સામે ટકરાશે. રોવમેન પોવેલ અને રોમારિયો શેફર્ડ જેવા ઓલરાઉન્ડરોની હાજરીથી ટીમમાં ઊંડાણ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું શાઈ હોપની આ સેના ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી કેરેબિયન ટાપુઓ પર લઈ જઈ શકશે કે કેમ?

(10:53 PM IST)