<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

અભિષેક શર્માનું 'તોફાન': શું બેટમાં સ્પ્રિંગ છે? કિવી ખેલાડીઓ મેદાન વચ્ચે જ બેટ તપાસવા લાગ્યા: વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે!

ગુવાહાટી T20માં અભિષેકની માત્ર 14 બોલમાં ફિફ્ટીએ ન્યૂઝીલેન્ડના હોશ ઉડાવ્યા: પોન્ટિંગના જૂના વિવાદની યાદ તાજી થઈ : ભારતે શ્રેણી પર જમાવ્યો કબજો અને યુવરાજ સિંહના રેકોર્ડની નજીક પહોંચ્યો પંજાબનો આ શેર

ગુવાહાટી:  ગુવાહાટીના મેદાન પર રમાયેલી ત્રીજી T20 મેચમાં અભિષેક શર્માએ એવી બેટિંગ કરી કે ન્યૂઝીલેન્ડના બોલરો માટે ભાગવું મુશ્કેલ થઈ ગયું. માત્ર 20 બોલમાં 68 રન ફટકારીને તેણે મેચને એકતરફી બનાવી દીધી હતી. અભિષેકના બેટમાંથી નીકળતા દરેક શોટમાં એટલો પાવર હતો કે મેચ પૂરી થયા પછી ન્યૂઝીલેન્ડનો કેપ્ટન મિશેલ સેન્ટનર અને ડેવોન કોનવે પોતાની જાતને રોકી શક્યા નહીં અને મેદાન પર જ અભિષેકનું બેટ હાથમાં લઈને તપાસવા લાગ્યા. આ રમુજી વીડિયો વાયરલ થતા જ ક્રિકેટ પ્રેમીઓને 2003 વર્લ્ડ કપની ફાઈનલ અને રિકી પોન્ટિંગના 'સ્પ્રિંગ બેટ'ની અફવાઓ યાદ આવી ગઈ છે.

ભારતે માત્ર 10 ઓવરમાં 154 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ટી-20 ઇતિહાસમાં પ્રચંડ વિજય નોંધાવ્યો છે. અભિષેક શર્માએ માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારીને ભારત માટે યુવરાજ સિંહ પછીની બીજી સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ બીજા છેડેથી અણનમ 57 રન બનાવીને કિવી ટીમના આત્મવિશ્વાસના ધજાગરા ઉડાડી દીધા હતા. આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે, જે દર્શાવે છે કે ટીમ ઈન્ડિયાની નવી પેઢી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ કરવા માટે પૂરી રીતે સજ્જ છે.

અભિષેક શર્માનું આ ફોર્મ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની સખત મહેનત અને IPLમાં ટ્રેવિસ હેડ સાથેની તેની આક્રમક જોડીનો પ્રભાવ છે. 195.22ના અકલ્પનીય સ્ટ્રાઈક રેટ સાથે રમી રહેલો આ યુવા બેટ્સમેન હવે ભારતીય ઓપનિંગ જોડી માટે કાયમી દાવેદાર બની ગયો છે. તેના બેટની 'તપાસ' કરતા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓના ચહેરા પરનું આશ્ચર્ય એ વાતની સાક્ષી પૂરે છે કે હાલમાં વિશ્વ ક્રિકેટમાં અભિષેક શર્માના નામના ડરનો માહોલ છે. ભારતીય ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે આ ફોર્મ આગામી મેચોમાં પણ જળવાઈ રહેશે.

(10:56 PM IST)