હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિઝાગમાં રનનો વરસાદ થશે કે કુદરતનો? ભારત-ન્યુઝીલેન્ડ ચોથી T20I પહેલા હવામાન પર મોટું અપડેટ
ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાને ઉતરશે સૂર્યકુમારની સેના: વિશાખાપટ્ટનમની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન, જાણો ટોસ જીતનાર ટીમ શા માટે રહેશે ફાયદામાં

વિશાખાપટ્ટનમ:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની જંગ હવે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પહોંચી છે, જ્યાં શ્રેણીની ચોથી T20 મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી મેચમાં પ્રચંડ વિજય મેળવીને શ્રેણીમાં 3-0ની અજેય લીડ તો મેળવી જ લીધી છે, પરંતુ હવે નજર ક્લીન સ્વીપ પર છે. અભિષેક શર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ જે રીતે તોફાની ફોર્મમાં છે, તે જોતા વિઝાગના ક્રિકેટ ચાહકો ફરી એકવાર ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા માટે આતુર છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમ વળતો પ્રહાર કરીને આબરૂ બચાવવા માટે એડીચોટીનું જોર લગાવશે.
ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર હવામાન વિભાગ તરફથી આવ્યા છે. વિઝાગમાં મેચ દરમિયાન આકાશ એકદમ સ્વચ્છ રહેવાની આગાહી છે, જેનો અર્થ એ છે કે મેચમાં વરસાદનો કોઈ અવરોધ નહીં આવે. ફેન્સ માટે આ ખુશીની વાત છે કારણ કે તેઓ આખી 40 ઓવરની રમતનો ભરપૂર આનંદ માણી શકશે. ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ તેની બેટિંગ ફ્રેન્ડલી પીચ માટે જાણીતું છે, જ્યાં બોલ બેટ પર ખૂબ જ સરળતાથી આવે છે અને બાઉન્ડ્રી નાની હોવાને કારણે અહીં રનનો ડુંગર ખડકાવાની પૂરેપૂરી શક્યતા છે.
આ મેદાનના ઈતિહાસ અને આંકડાઓ પર નજર કરીએ તો ટોસની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. અહીં રમાયેલી કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 9 મેચમાં રન ચેઝ કરનારી ટીમ વિજેતા બની છે. એટલે કે, જે પણ કેપ્ટન ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે તે લગભગ નિશ્ચિત છે. ભારતીય ટીમે અગાઉ આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 209 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક આંબી લીધો હતો, જે સાબિત કરે છે કે અહીં બીજા દાવમાં બેટિંગ કરવી વધુ આસાન રહે છે.
ભારતીય ટીમમાં અત્યારે આક્રમકતા અને આત્મવિશ્વાસ છલોછલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવા બેટ્સમેનો જે રીતે કિવી બોલરોની લાઈન-લેન્થ બગાડી રહ્યા છે, તે જોતા ન્યુઝીલેન્ડ માટે પુનરાગમન કરવું મુશ્કેલ જણાય છે. જોકે, ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે અને વિઝાગનું મેદાન ઘણીવાર ફાસ્ટ બોલરોને શરૂઆતની ઓવરોમાં મદદ પણ પૂરી પાડે છે. હવે જોવાનું એ રહેશે કે શું ભારત 4-0થી શ્રેણી કબજે કરે છે કે પછી ન્યુઝીલેન્ડ હારનો સિલસિલો તોડવામાં સફળ રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
