<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

વિઝાગમાં કિવીઝનો ‘કાંટો' નીકળ્‍યોઃ ટીમ ઈન્‍ડિયાનો વિજય રથ રોકાયો, શિવમની ફિફ્‌ટી એળે ગઈ!

મીડલ ઓર્ડરના બેટરો કૌવત બતાવી ન શકયા શનિવારે અંતિમ મુકાબલો

વિશાખાપટ્ટનમઃ ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે રમાયેલી રોમાંચક ટી૨૦ શ્રેણીમાં કિવી ટીમે આખરે વળતો પ્રહાર કર્યો છે.

શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતીને અજેય લીડ મેળવનાર ટીમ ઈન્‍ડિયાનો વિજય રથ વિશાખાપટ્ટનમના મેદાનમાં અટક્‍યો હતો.

ન્‍યુઝીલેન્‍ડે ઓલરાઉન્‍ડર પ્રદર્શન કરી ભારતને ૫૦ રને પરાજય આપી શ્રેણીમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. જોકે, પાંચ મેચોની આ શ્રેણીમાં ભારત હજુ પણ ૩-૧થી આગળ છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્‍યુઝીલેન્‍ડની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્‍યું હતું. ઓપનર ટિમ સીફર્ટે માત્ર ૩૬ બોલમાં ૬૨ રન ફટકારીને પાયો નાખ્‍યો હતો, જયારે ડેવોન કોનવેએ ૪૪ રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.

અંતિમ ઓવરોમાં ડેરિલ મિશેલે ૧૮ બોલમાં ૩૯ રન ઝૂડી કાઢીને ન્‍યુઝીલેન્‍ડના સ્‍કોરને ૨૦ ઓવરમાં ૨૧૫/૭ સુધી પહોંચાડ્‍યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે ૨-૨ વિકેટ લીધી હતી.

૨૧૬ રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્‍યંત ખરાબ રહી હતી. ઇન-ફોર્મ ઓપનર અભિષેક શર્મા પ્રથમ જ બોલે આઉટ થઈ ગયો હતો.

કેપ્‍ટન સૂર્યકુમાર યાદવ (૮ રન) અને સંજુ સેમસન (૨૪ રન) પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્‍ફળ રહ્યા હતા.

મધ્‍યમ ક્રમમાં હાર્દિક પંડ્‍યા માત્ર ૨ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો, જેના કારણે ભારતની જીતની આશા ધૂંધળી બની હતી.

જયારે ટીમ સંકટમાં હતી ત્‍યારે શિવમ દુબેએ બાજી સંભાળી હતી. તેણે માત્ર ૨૩ બોલમાં ૬૫ રનની તોફાની ઈનિંગ રમી, જેમાં ૭ ગગનચુંબી છગ્‍ગા સામેલ હતા.

દુબેએ એક સમયે ભારતને મેચમાં પરત લાવ્‍યું હતું, પરંતુ તે રન આઉટ થતા જ ભારતની લડતનો અંત આવ્‍યો હતો. રિંકુ સિંહે ૩૯ રનનું યોગદાન આપ્‍યું હતું, પરંતુ અંતે સમગ્ર ટીમ ૧૮.૪ ઓવરમાં ૧૬૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 શ્રેણીની પાંચમી અને અંતિમ ટી૨૦ મેચ આગામી શનિવારે તિરુવનંતપુરમ ખાતે રમાશે.

 

(3:50 PM IST)