તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th January 2026
અભિષેક શર્મા: કાં તો સદી, કાં તો ડક! ટીમ ઈન્ડિયાના આ 'નવા સેહવાગ'ને રોકવો અશક્ય
પહેલા બોલ પર આઉટ થવાનું જોખમ, પણ અંદાજ એવો કે બોલરો ધ્રૂજી જાય; વિશાખાપટ્ટનમમાં ફ્લોપ રહ્યા છતાં ફેન્સ કહી રહ્યા છે - 'બદલાશો નહીં ઉસ્તાદ'

નવી દિલ્હી, તા.29 : ક્રિકેટમાં 'ગોલ્ડન ડક' (પહેલા જ બોલ પર આઉટ થવું) એ કોઈ પણ બેટ્સમેન માટે અપમાનજનક હોઈ શકે છે, પણ અભિષેક શર્મા માટે તે તેના 'નિર્ભય' હોવાનું પ્રમાણપત્ર છે. વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20I માં અભિષેક શર્મા પહેલા જ બોલ પર સિક્સર મારવાના પ્રયાસમાં આઉટ થયો, ત્યારે ટીકાકારોએ ભલે પ્રશ્નો ઉઠાવ્યા હોય, પરંતુ સાચો ક્રિકેટ ચાહક જાણે છે કે આ જ તેની તાકાત છે.
કફન બાંધીને મેદાનમાં ઉતરે છે અભિષેક!
એક જમાનો હતો જ્યારે એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડન પહેલા બોલથી વિસ્ફોટક બેટિંગ કરીને વિરોધી ટીમનો આત્મવિશ્વાસ તોડી નાખતા હતા. ભારતમાં આ કામ વીરેન્દ્ર સેહવાગે વર્ષો સુધી કર્યું. હવે અભિષેક શર્મા તેનાથી પણ એક ડગલું આગળ વધ્યો છે. તે જાણે માથા પર કફન બાંધીને ક્રીઝ પર આવે છે - તેનો મંત્ર સ્પષ્ટ છે: 'જો બેટ પર બોલ અથડાયો તો સીધો બાઉન્ડ્રી બહાર, અને જો નસીબ ન હોય તો પહેલા બોલે પેવેલિયન.'
જોખમમાં જ જીત છે
વીરેન્દ્ર સેહવાગ પણ તેની કારકિર્દીમાં અનેકવાર ઓફ-સ્ટમ્પની બહાર શોટ મારતા આઉટ થયો હતો, છતાં તેણે તે જ આક્રમક શૈલીથી હજારો રન બનાવ્યા. સનથ જયસૂર્યાનો શોર્ટ-આર્મ પુલ પણ જોખમી હતો છતાં તે શ્રીલંકાનો સૌથી મોટો મેચ વિનર બન્યો. અભિષેક શર્મા પણ એ જ રાહ પર છે. તેની આક્રમકતા જ બોલરોના મનમાં ડર પેદા કરે છે. રાહુલ દ્રવિડ માટે જેટલું ડિફેન્સ સ્વાભાવિક હતું, અભિષેક માટે પહેલા બોલે એટેક કરવો તેટલું જ સહજ છે.
ભારતને મળ્યો સૌથી ખતરનાક ઓપનર
ક્રિકેટના પંડિતોનું માનવું છે કે સેહવાગ પછી ભારતીય ક્રિકેટને જો કોઈ સાચો 'ફિયરલેસ' બેટ્સમેન મળ્યો હોય તો તે અભિષેક શર્મા છે. તેની બેટિંગ શૈલી કદાચ જોખમી લાગે, પણ T20 ક્રિકેટના આધુનિક યુગમાં ભારતને આવા જ પ્લેયર્સની જરૂર છે જે પરિણામની ચિંતા કર્યા વગર ટીમ માટે પાવરપ્લેનો મહત્તમ ઉપયોગ કરે.
હાલમાં દરેકના મુખે એક જ વાત છે - "અભિષેક, ભલે ડક પર આઉટ થાઓ, પણ તમારો આ અંદાજ ક્યારેય બદલતા નહીં!"
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
