<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ભારતીય એથ્લેટ તેજસ્વિન શંકરનો અમેરિકામાં ડંકો: ઓલિમ્પિક મેડલિસ્ટને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ!

કેન્સાસમાં યોજાયેલી હાઈ જમ્પ સ્પર્ધામાં 2.26 મીટરની છલાંગ લગાવી રચ્યો ઈતિહાસ; ત્રણ વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી મેળવ્યું પ્રથમ સ્થાન.

 

મેનહટન (કેન્સાસ), તા.૩૧: ભારતીય એથ્લેટિક્સ માટે ગર્વ લેવા જેવા સમાચાર અમેરિકાથી આવ્યા છે. ભારતના સ્ટાર એથ્લેટ તેજસ્વિન શંકરે શનિવારે કેન્સાસના મેનહટન ખાતે યોજાયેલી 'ડીલોસ ડોડ્સ ઇન્વિટેશનલ ૨૦૨૬' એથ્લેટિક્સ મીટમાં પુરૂષોની હાઈ જમ્પ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. તેજસ્વિને આ સિદ્ધિ મેળવવા માટે ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ શેલ્બી મેકવેનને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો હતો.

ત્રણ વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

૨૭ વર્ષીય તેજસ્વિન શંકરે ૨.૨૬ મીટરનો ઊંચો કુદકો લગાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રદર્શન તેના છેલ્લા ત્રણ વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ૨૦૨૩માં બોસ્ટનમાં તેણે આટલી જ ઊંચાઈ હાંસલ કરી હતી. બીજી તરફ, ઓલિમ્પિક મેડલિસ્ટ શેલ્બી મેકવેન ૨.૨૨ મીટરની છલાંગ સાથે બીજા સ્થાને રહ્યો હતો. તેજસ્વિને તેની શરૂઆત ૨.૦૫ મીટરથી કરી હતી અને ત્યારબાદ ૨.૧૦, ૨.૧૪, ૨.૧૮ અને ૨.૨૨ મીટરના અવરોધો સફળતાપૂર્વક પાર કર્યા હતા.

નેશનલ રેકોર્ડ તોડવાનો પ્રયત્ન

તેજસ્વિન શંકરના નામે ૨.૨૯ મીટરનો હાઈ જમ્પનો રાષ્ટ્રીય રેકોર્ડ છે, જે તેણે ૨૦૧૮માં બનાવ્યો હતો. આ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યા બાદ તેણે ૨.૩૦ મીટરનો કુદકો લગાવીને નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમાં તે સફળ રહ્યો ન હતો. તેજસ્વિન માત્ર હાઈ જમ્પ જ નહીં પરંતુ 'ડેકાથલોન'માં પણ રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવે છે, જે તેની બહુમુખી પ્રતિભા દર્શાવે છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર ટૂર

આ સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર ટૂરની 'બ્રોન્ઝ લેવલ' મીટ હતી. તેજસ્વિન માટે આ સીઝનની બીજી મહત્વની સ્પર્ધા હતી. અગાઉ જાન્યુઆરીમાં તેણે ૬૦ મીટર હર્ડલ્સ અને શૉટ પુટ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. આ જીત બાદ આગામી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તેજસ્વિનનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો છે.

(12:06 AM IST)