તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st February 2026
ઈશાન કિશનનું રૌદ્ર સ્વરૂપ: 10 ગગનચુંબી છગ્ગા સાથે માત્ર 42 બોલમાં ઠોકી સદી, કિવીઓ પસ્ત!
ભારતે ન્યૂઝીલેન્ડને 46 રને હરાવી સીરીઝ 4-1થી કબજે કરી; અર્શદીપ સિંહે 5 વિકેટ ઝડપી મેદાન માર્યું

તિરુવનંતપુરમ, તા.૩૧: આગામી ફેબ્રુઆરીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં યુવા ઓપનર ઈશાન કિશને વિસ્ફોટક બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડના બોલરોને પાયમાલ કરી દીધા હતા. ભારતે આ મેચ 46 રને જીતીને પાંચ મેચોની શ્રેણી 4-1થી પોતાના નામે કરી લીધી છે.
કિશનનું તોફાન અને સૂર્યાની સિક્સર
ઈજા બાદ પરત ફરેલા ઈશાન કિશને મેદાનમાં આવતાની સાથે જ સિક્સરોનો વરસાદ શરૂ કર્યો હતો. તેણે માત્ર 42 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી, જેમાં 10 આકાશી છગ્ગા અને અનેક ચોગ્ગા સામેલ હતા. કિશને 43 બોલમાં કુલ 103 રન ફટકારી ભારતને 271 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ 63 રનની તોફાની ઈનિંગ રમી તેને પૂરતો સાથ આપ્યો હતો. અંતમાં હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 42 રન ફટકારી સ્કોરને પહાડ જેવો બનાવી દીધો હતો.
અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ
272 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ તરફથી ફિન એલને 38 બોલમાં 80 રન બનાવીને લડત આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ કિવી બેટ્સમેનો માટે કાળ સાબિત થયો હતો. અર્શદીપે પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 51 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ 3 મહત્વની વિકેટો લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. અંતે ન્યૂઝીલેન્ડની આખી ટીમ 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા સજ્જ
આ જીત સાથે ભારતે સાબિત કર્યું છે કે તે વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ કરીને ઈશાન કિશનનું ફોર્મમાં પરત ફરવું અને અર્શદીપની બોલિંગમાં ચોકસાઈ ભારત માટે હકારાત્મક પાસાં છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ જે પાવર-હિટિંગ બતાવ્યું તેનાથી વિશ્વની અન્ય ટીમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
