તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
ભારતીય મહિલા ક્રિકેટમાં દીપ્તિ શર્માનો દબદબો: બની વિશ્વની નંબર-1 T20 બોલર
ઓસ્ટ્રેલિયન ખેલાડીને પછાડી દીપ્તિએ હાંસલ કર્યું શિખર, જ્યારે સ્મૃતિ મંધાનાએ વન-ડેમાં ટોચનું સ્થાન ગુમાવ્યું

દિલ્હી, તા.3: આઈસીસી (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ મહિલા રેન્કિંગમાં ભારત માટે ખુશી અને આંચકાના મિશ્ર સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઈતિહાસ રચતા વિશ્વની નંબર-1 T20 બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જોકે, બીજી તરફ વન-ડે રેન્કિંગમાં લાંબા સમયથી બાદશાહત ભોગવતી સ્મૃતિ મંધાનાએ પોતાનું પ્રથમ સ્થાન ગુમાવવું પડ્યું છે.
દીપ્તિની ઐતિહાસિક સિદ્ધિ:
શ્રીલંકા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં દીપ્તિએ માત્ર 20 રન આપીને એક મહત્વની વિકેટ ઝડપી હતી. આ શાનદાર અને કરકસરભરી બોલિંગના જોરે તેને રેટિંગ પોઈન્ટ્સમાં મોટો ફાયદો થયો છે. દીપ્તિએ ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને માત્ર એક પોઈન્ટના અંતરથી પાછળ છોડીને વિશ્વની સર્વશ્રેષ્ઠ T20 બોલરનો તાજ પોતાના નામે કર્યો છે. ભારતની અન્ય બોલર અરુંધતી રેડ્ડીએ પણ પાંચ સ્થાનની છલાંગ લગાવી 36મું સ્થાન મેળવ્યું છે.
સ્મૃતિને ક્યાં લાગ્યો ઝટકો?
વન-ડે બેટિંગ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડટે તોફાની વાપસી કરી છે. આયર્લેન્ડ સામેની શ્રેણીમાં બે સદી ફટકારીને તેણે સ્મૃતિ મંધાનાને ટોચના સ્થાનેથી નીચે ધકેલી દીધી છે. જોકે, T20 ફોર્મેટમાં સ્મૃતિ હજુ પણ ત્રીજા સ્થાને અડિગ છે. આ ઉપરાંત, જેમિમાહ રોડ્રિગ્સ માટે પણ સારા સમાચાર છે, જે પાંચ સ્થાનના સુધારા સાથે ટોપ-10માં નવમા સ્થાને પહોંચી ગઈ છે.
ટોપ-10 માં ત્રણ ભારતીય સિંહણો:
T20 બેટિંગ રેન્કિંગમાં અત્યારે ભારતનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, જેમાં સ્મૃતિ મંધાના (3), જેમિમાહ રોડ્રિગ્સ (9) અને શેફાલી વર્મા (10) એમ ત્રણ ખેલાડીઓ ટોપ-10 માં સામેલ છે. દીપ્તિ શર્માનું નંબર-1 બનવું એ ભારતીય બોલિંગ યુનિટની વધતી તાકાતનો પુરાવો છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
